<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સ્વિસ લક્ઝરી વોચમેકર ઓડેમાર્સ પિગ્વેટનું અનોખું સર્જન : સંસ્કૃત અંકો ધરાવતી ₹3 કરોડની રોયલ ઓક ઘડિયાળ સોશિયલ મીડિયા પર વાયરલ : જુઓ વિડીયો

ભારતીય વિરાસત અને હાઈ-એન્ડ ક્રાફ્ટમેનશિપનું અદભૂત સંગમ : 18 કેરેટ રોઝ ગોલ્ડ, ગ્રીન ડાયલ અને સંસ્કૃત લિપિના ઉપયોગે વૈશ્વિક સ્તરે જગાવ્યું આકર્ષણ

જીનીવા:સ્વિટ્ઝર્લેન્ડની જાણીતી લક્ઝરી ઘડિયાળ નિર્માતા કંપની ઓડેમાર્સ પિગ્વેટ (Audemars Piguet) એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સન્માન આપતું એક અદભૂત ટાઈમપીસ રજૂ કર્યું છે. 'રોયલ ઓક ઈન્ડિયન સંસ્કૃત' (Royal Oak “Indian Sanskrit” 15409OR) મોડલની આ ઘડિયાળ તેની અનોખી ડિઝાઇન અને અંદાજે ₹3 કરોડની અધધ કિંમતને કારણે હાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે.

ભારતીય સંસ્કૃતિની ઝલક:

આ લક્ઝરી ઘડિયાળની સૌથી મોટી વિશેષતા તેનું ડાયલ છે. ઘડિયાળમાં પરંપરાગત અંકોના સ્થાને સંસ્કૃત લિપિના અંકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘેરા લીલા (ફોરેસ્ટ ગ્રીન) રંગના ડાયલ પર સોનેરી ફિનિશિંગ સાથેના ઉપસેલા સંસ્કૃત અંકો ખૂબ જ આકર્ષક અને ભવ્ય લાગે છે. આ ડિઝાઇન ભારતની પ્રાચીન ભાષા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર શ્રદ્ધાંજલિ અર્પે છે.

 

ભવ્ય ડિઝાઇન અને મટીરિયલ:

આ ઘડિયાળ ઓડેમાર્સ પિગ્વેટના આઇકોનિક 'રોયલ ઓક' કલેક્શનનો હિસ્સો છે, જે સૌપ્રથમ 1972માં રજૂ કરવામાં આવ્યું હતું. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

  રોઝ ગોલ્ડ બોડી: ઘડિયાળનું કેસ અને બ્રેસલેટ 18 કેરેટ રોઝ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યું છે, જે તેને અત્યંત પ્રીમિયમ લુક આપે છે.

  ઓક્ટાગોનલ બેઝલ: આ સીરીઝની ઓળખ સમાન અષ્ટકોણીય (ઓક્ટાગોનલ) બેઝલ અને તેના પર દેખાતા હેક્સાગોનલ સ્ક્રૂ તેને અલગ તારવે છે.

  આધુનિક ટચ: ક્લાસિક ડિઝાઇનમાં આધુનિકતા ઉમેરવા માટે તેમાં નારંગી રંગના સેકન્ડ કાંટાનો ઉપયોગ કરાયો છે.

  ડાયલ પેટર્ન: તેના ડાયલ પર બ્રાન્ડની હસ્તાક્ષર સમાન 'ગ્રાન્ડે ટેપિસેરી' (Grande Tapisserie) પેટર્ન જોવા મળે છે.

 

સોશિયલ મીડિયા પર આકર્ષણ:

જોકે આ મોડલ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતા લક્ઝરી ઘડિયાળોના શોખીનોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ઘડિયાળ ફંક્શનાલિટીની દ્રષ્ટિએ પણ સજ્જ છે, જેમાં 3 વાગ્યાના સ્થાને ડેટ વિન્ડો આપવામાં આવી છે. વૈશ્વિક બ્રાન્ડ્સ જે રીતે ભારતીય સંસ્કૃતિમાંથી પ્રેરણા લઈ રહી છે તે બદલ કલેક્ટર્સ અને નિષ્ણાતો આ ઘડિયાળની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે.

(11:44 PM IST)