<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ટ્રમ્પ-જિનપિંગની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં દોસ્તી અને ચેતવણીનો અનોખો સંગમ : 10 વર્ષ બાદ અમેરિકી રાષ્ટ્રપતિની ચીન મુલાકાતથી વિશ્વમાં ભારે ઉત્તેજના

તાઈવાન મુદ્દે શી જિનપિંગની અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ગંભીર ટકોર : ભવ્ય સ્વાગત વચ્ચે જૂના વિવાદો અને નવી શરતોને કારણે બેઈજિંગમાં રાજકીય ગરમાવો વધ્યો

 બેઈજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આશરે દસ વર્ષના લાંબા ગાળા બાદ ચીનની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓ વચ્ચેની મુલાકાતે વૈશ્વિક રાજનીતિમાં નવો વળાંક આપ્યો છે. બેઈજિંગના 'ગ્રેટ હોલ ઓફ ધ પીપલ' ખાતે ડોનાલ્ડ ટ્રમ્પનું રેડ કાર્પેટ વેલકમ અને લશ્કરી બેન્ડની સુરાવલીઓ સાથે અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, આ આત્મીયતાની પાછળ તાઈવાન અને વેપાર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ભારે તણાવ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

 

 શી જિનપિંગને ગણાવ્યા 'મિત્ર' પણ તાઈવાન મુદ્દે સર્જાયો મડાગાંઠ:

મુલાકાતની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા કરતા તેમને 'મજબૂત નેતા' અને 'મિત્ર' તરીકે સંબોધ્યા હતા. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં અમેરિકા અને ચીનના સંબંધો પહેલા કરતા વધુ સારા બની શકે છે. સામે પક્ષે શી જિનપિંગે પણ બંને દેશોને પ્રતિસ્પર્ધીને બદલે ભાગીદાર તરીકે કામ કરવા અનુરોધ કર્યો હતો. પરંતુ, જેવો તાઈવાનનો મુદ્દો સામે આવ્યો કે તરત જ જિનપિંગનો સૂર બદલાયો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તાઈવાન ચીન માટે અત્યંત સંવેદનશીલ વિષય છે અને જો આ મામલાને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે તો બંને દેશો વચ્ચે ગંભીર સંઘર્ષની સ્થિતિ પેદા થઈ શકે છે.

 

 વેપાર અને ટેકનોલોજી પર નવી ડીલની શક્યતા:

તાઈવાન સિવાય આ હાઈ-લેવલ બેઠકમાં વેપાર, ટેરિફ, ટેકનોલોજી અને ઈરાન જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સાથે અમેરિકાના દિગ્ગજ કારોબારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ લાવ્યા છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા ચીન સાથે કૃષિ અને ઉડ્ડયન (એવિએશન) જેવા ક્ષેત્રોમાં નવી વેપારી સમજૂતીઓ કરવા ઈચ્છે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ટ્રેડ વોર અને એકબીજા પર લાદવામાં આવેલા ટેરિફને ઘટાડવા બાબતે પણ બંને નેતાઓ વચ્ચે મહત્વની વાતચીત થઈ હતી.

 

 વિશ્વાસની ખાઈ અને ભવિષ્યની આશા:

ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે અમેરિકા તાઈવાનને લશ્કરી અને રાજકીય સમર્થન આપી રહ્યું છે, જે ચીન માટે વર્ષોથી નારાજગીનું કારણ રહ્યું છે. આ બેઠક ભલે ગરમાવો અને સ્મિત સાથે શરૂ થઈ હોય, પરંતુ નિષ્ણાતો માને છે કે બંને દેશો વચ્ચે વિશ્વાસની ખાઈ હજુ પૂરી રીતે ભરાઈ નથી. જોકે, બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે પરસ્પર સહયોગથી જ બંને દેશો અને વિશ્વનું હિત સંભવ છે. હવે જોવાનું એ રહેશે કે આ મુલાકાત બાદ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થપાય છે કે પછી તણાવ વધુ ઉગ્ર બને છે.

(1:58 PM IST)