તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
પર્યાવરણ સુરક્ષા અને આસ્થાનો અનોખો સંગમ: ગણેશ વિસર્જન બાદ એકત્રિત કરાયેલી ૧૦ ટન શાડુ માટીનો પુનઃઉપયોગ કરવા નવી મુંબઈ રોટરી ક્લબની સરાહનીય પહેલ
'વિસર્જનથી સર્જન સુધી' અભિયાન હેઠળ નવી મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી બદલાપુરના પરંપરાગત મૂર્તિકારોને સોંપાઈ માટી; ભાવિ ગણેશોત્સવ માટે ફરી કંડારાશે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ.

નવી મુંબઈ : ગણેશોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન બાદ માટીને વેડફાઈ જતી કે કચરામાં જતી અટકાવવા અને પર્યાવરણને અનુકૂળ આયોજનને પ્રોત્સાહન આપવા માટે નવી મુંબઈમાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. નવી મુંબઈના આઠ રોટરી ક્લબોએ એકત્ર થઈને 'વિસર્જનથી સર્જન સુધી' નામે વિશિષ્ટ અભિયાન શરૂ કર્યું છે, જેના અંતર્ગત ગણેશોત્સવ દરમિયાન વિસર્જિત કરાયેલી મૂર્તિઓમાંથી મળેલી ૧૦ ટન કુદરતી શાડુ માટી એકત્રિત કરીને તેને બદલાપુરના પરંપરાગત મૂર્તિકારો સુધી પહોંચાડવામાં આવી છે. આ માટીનો ઉપયોગ આગામી ગણેશોત્સવ માટે નવી મૂર્તિઓ ઘડવામાં કરવામાં આવશે.
આ સમગ્ર કામગીરી નવી મુંબઈ મહાનગરપાલિકા (NMMC) ની સીધી દેખરેખ અને સત્તાવાર મંજૂરી હેઠળ હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા તમામ ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવવું, કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવું અને પરિવહન દરમિયાન રસ્તા પર માટી ન ઢોળાય તે માટે કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. સીબીડી બેલાપુર સ્થિત મહાનગરપાલિકાના પાર્કિંગ વિસ્તારમાંથી ખાસ પેક કરવામાં આવેલી આ શાડુ માટીને સુવ્યવસ્થિત રીતે ટ્રકમાં ભરીને બદલાપુરની મૂર્તિકાર વર્કશોપ સુધી પહોંચાડવામાં આવી હતી, જ્યાં સ્થાનિક કલાકારોએ ખુશીથી આ માટીનો સ્વીકાર કર્યો હતો.
આ જાગૃતિ અભિયાન દરમિયાન પર્યાવરણપ્રેમીઓ અને રોટરીના સભ્યોએ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કુદરતી શાડુ માટી વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો હતો. શાડુ માટી સંપુર્ણપણે કુદરતી હોવાથી વિસર્જન બાદ પણ તેને રિસાઇકલ કરીને પુનઃઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે PoP માં રહેલા રાસાયણિક ઘટકોને કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને તેનું પ્રોસેસિંગ પણ અત્યંત કઠિન હોય છે.
નવી મુંબઈ વેલી ગોલ્ફર્સ, જોઈ ઓફ લિવિંગ, પામ બીચ, સ્માર્ટ સિટી સહિતના આઠ રોટરી ક્લબોના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાયેલી આ પહેલે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય આયોજન કરવામાં આવે તો આસ્થા અને પર્યાવરણની સુરક્ષા બંને સાથે જાળવી શકાય છે. 'વિસર્જનથી સર્જન' તરફનું આ પગલું ભવિષ્યમાં પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે અન્ય શહેરો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
