<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સિનેમા અને રેલ વિરાસતનો અનોખો સમન્વય: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓ માટે એકતાનગરથી ધમાકેદાર રીતે દોડી 'સ્ટીમ હેરિટેજ ટ્રેન'!

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના દેશભરના સેલેબ્સ અને ગણમાન્ય મહેમાનોએ વડોદરા મંડળની વિશેષ ટ્રેનમાં લીધી વરાળ એન્જિનના સુવર્ણ યુગની નોસ્ટાલ્જિક મજા.

કેવડિયા (એકતાનગર), તા.૨૩: ગુજરાતની ધરતી પર કળા, સિનેમા અને ભારતીય રેલવેની સમૃદ્ધ વિરાસતનો એક અનોખો સંગમ જોવા મળ્યો છે! કેવડિયા ખાતે યોજાયેલા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દેશભરમાંથી પધારેલા પુરસ્કાર વિજેતાઓ, બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમાના દ્રષ્ટિવંત કલાકારો તેમજ વિશિષ્ટ આતિથ્યો માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા એકતાનગર સ્ટેશનથી વડોદરા વચ્ચે ખાસ 'સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન'નું ભવ્ય સંચાલન કરવામાં આવ્યું હતું.


મોડર્ન ટેકનોલોજી સાથે વિન્ટેજ વરાળ એન્જિનનો રોમાંચક અહેસાસ
રાત્રે ૯:૦૦ વાગ્યે એકતાનગર સ્ટેશનથી રવાના થયેલી આ વિશેષ ટ્રેન માત્ર મુસાફરીનું માધ્યમ નહીં, પરંતુ મહેમાનો માટે સમય પાછળ લઈ જતી એક રોમાંચક સફર બની રહી હતી. ટ્રેન ભલે આધુનિક ઈલેક્ટ્રિક સિસ્ટમથી ચાલતી હોય, પરંતુ તેમાં જૂના જમાનાના સ્ટીમ (વરાળ) એન્જિન જેવો જ ધુમાડો, ભાપ ઈફેક્ટ અને વિન્ટેજ હોર્નની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. જેણે ફિલ્મ જગતના દિગ્ગજોને રેલવેના ગૌરવશાળી સુવર્ણ યુગની યાદ અપાવી દીધી હતી.


૬ આલીશાન કોચ, વિસ્ટાડોમ રૂફ અને સેલ્ફી પોઈન્ટ્સથી સજ્જ રજવાડી સફર
રેલવે પ્રશાસન દ્વારા બોલિવૂડના સ્ટાર્સ અને પુરસ્કાર વિજેતા મહેમાનોની સુવિધા માટે આ ટ્રેનને ખાસ રોયલ લુક આપવામાં આવ્યો હતો:


•    એસી વિસ્ટાડોમ કોચ: કાચની વિશાળ બારીઓ અને છત ધરાવતા ૪ એસી વિસ્ટાડોમ કોચ, જેમાં ૩ વાતાનુકૂલિત એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે.

•    રોયલ ડાઇનિંગ કાર: મુસાફરી દરમિયાન સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણવા માટે એક આકર્ષક રેસ્ટોરન્ટ ડાઇનિંગ કાર અને પેન્ટ્રી.

•    સેલ્ફી પોઈન્ટ્સ: યાદગાર પળોને કેમેરામાં કંડારવા માટે ટ્રેનની અંદર આકર્ષક સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા હતા.

પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપતી પીએમ મોદીની પહેલ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૩માં એકતાનગર (કેવડિયા)થી આ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં પણ (ટ્રેન નં. 09409/09410) દર શનિવાર અને રવિવારે અમદાવાદ અને એકતાનગર વચ્ચે દોડીને આ ટ્રેન પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહના આ ખાસ અવસરે ભારતીય સિનેમાના સિતારાઓએ સ્ટીમ હેરિટેજ ટ્રેનની આરામદાયક અને ઐતિહાસિક સફર માણીને પશ્ચિમ રેલવેના આ અનોખા આતિથ્ય સત્કારની મુક્ત મને પ્રશંસા કરી હતી.

(6:05 PM IST)