News of Saturday, 10th October 2026
વિકાસની સાથે સંવેદનાનો અનોખો સેતુ : રાજકોટના મોટા રામપર ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના રૂ. ૧૨ કરોડના ઓડિટોરિયમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ખબર-અંતર પૂછી કર્યો આત્મીય સંવાદ : તમામ સામાજિક કાર્યક્રમો માટે આ ભવ્ય ઓડિટોરિયમ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે

રાજકોટ:રાજ્યના વિકાસની સાથે-સાથે સંવેદનાનો અનોખો સેતુ બાંધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા પડધરીના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃદ્ધાશ્રમમાં વડીલોને અપાતી હૂંફસભર અને આધુનિક સુવિધાઓ ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા અંદાજે રૂ. ૧૨ કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશાળ ઓડિટોરિયમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન વિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો સાથે બેસીને આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો અને તેમના સ્વાસ્થ્ય તથા ખબર-અંતર પૂછ્યા હતા. વડીલોના ચહેરા પર છવાયેલી પ્રસન્નતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માયાળુ તેમજ સહજ સ્વભાવે ત્યાં ઉપસ્થિત તમામ લોકોના હૃદય સ્પર્શી લીધા હતા. આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક મંડળ દ્વારા સંસ્થા દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર સેવાકીય કાર્યો અને આયોજનો વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સામાજિક અને સાંસ્કૃતિક હેતુઓ માટે અર્પણ કરાયેલ સુવિધા:
સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા મોટા રામપર ગામે નિર્માણ પામેલા આ ભવ્ય ઓડિટોરિયમની બેઠક ક્ષમતા આશરે ૧,૦૦૦ વ્યક્તિઓની છે. આ સુવિધાજનક ઓડિટોરિયમ ભવિષ્યમાં સૌ કોઈ માટે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વિવિધ સામાજિક કાર્યક્રમો અર્થે કાયમી ધોરણે સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી જનહિતના કાર્યોને વેગ મળી શકે.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ સમગ્ર ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં શ્રમ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ડૉ. નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ સહિતના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર જય બારોટ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમનું સુચારૂ આયોજન અને સચોટ સંકલન વિજયભાઈ ડોબરિયા અને મિતલભાઈ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
