તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
પાલઘરમાં કાળમુખી દુર્ઘટના: વાડામાં રબર ફેક્ટરીના સ્ટોર રૂમની દીવાલ કડાકાભેર ધરાશાયી થતાં ૩ કામદારોના કમકમાટીભર્યા મોત
નાસ્તો કરી રહેલા શ્રમિકો પર અચાનક કાળ બનીને તૂટી પડી દીવાલ; કાટમાળ નીચે દબાતાં ગંભીર ઈજાઓને કારણે ત્રણના નીપજ્યા કરૂણ મોત

પાલઘર : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. વિક્રમગઢ રોડ પર આવેલી 'ટીના રબર કંપની' નામના ઉત્પાદક એકમમાં ગુરુવારે સવારે સ્ટોર રૂમની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ જતાં ભારે હોનારત સર્જાઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ નિષ્દોષ કામદારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. ફેક્ટરી પરિસરમાં કામ કરતા મજૂરો જ્યારે સવારનો નાસ્તો કરવા બેઠા હતા, ત્યારે જ બાજુમાં આવેલી સ્ટોર રૂમની ભારેખમ દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. કશું સમજે કે ભાગી શકે તે પહેલાં જ ત્રણેય કામદારો કાટમાળના વિશાળ ઢગલા નીચે દબાઈ ગયા હતા. ધડાકો સાંભળીને આસપાસથી દોડી આવેલા લોકોએ કાટમાળ હટાવીને તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમણે દમ તોડી દીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ કેશવ વાલાકુ ગુનગુના (ઉં.વ. ૫૫, રહે. મોહા ગામ), મીરા જાનુ ગવલી (ઉં.વ. ૬૦, રહે. વાસુરી ગામ) અને રંજના દિલીપ કોમ્બ (ઉં.વ. ૩૫, રહે. પોશેરી) તરીકે થઈ છે. રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોના આ રીતે અચાનક કરૂણ મોતથી તેમના પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવની જાણ થતાં જ વાડા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીવાલ ધરાશાયી થવા પાછળ ફેક્ટરી સંચાલકોની કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
