News of Monday, 9th November 2026
લક્ષ્મી પૂજનના દિવસે જ નાગપુરમાં શિક્ષક દંપતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, ઓગસ્ટ માસમાં જ થયા હતા બીજા લગ્ન
ગઢચિરોલીની શાળામાં ફરજ બજાવતા પતિ-પત્નીના મૃતદેહ બેડરૂમમાં પંખા પર લટકતા મળતા અરેરાટી, આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

નાગપુર : દિવાળીના પર્વ પર જ્યારે સમગ્ર દેશમાં લક્ષ્મી-ગણેશ પૂજાની ખુશીઓનો માહોલ હતો, ત્યારે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાગપુરમાં એક શિક્ષક દંપતીએ કથિત રીતે ફાંસી લગાવીને પોતાની જીવનલીલા સંકેરી લીધી હતી, જેના અરેરાટીભર્યા મૃતદેહ તેમના જ ઘરના બેડરૂમમાં છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ દંપતીએ આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં લગ્ન કર્યા હતા અને આ બંનેના જીવનના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકોની ઓળખ ૩૮ વર્ષીય મનીષ પ્રહલાદ ગનવીર અને ૩૫ વર્ષીય સોનાલી મનીષ ગનવીર તરીકે થઈ છે, જેઓ મૂળ ગઢચિરોલી જિલ્લાના સૂરજાગઢની એક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દંપતી દિવાળીનો તહેવાર મનાવવા માટે નાગપુર સ્થિત પોતાના ઘરે આવ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો બોધગયા તીર્થયાત્રાએ ગયા હોવાથી ઘરમાં એકાંત હતું. લગ્નને માંડ ત્રણ મહિનાનો ટૂંકો સમય થયો હોવા છતાં આ દંપતીએ આવું અંતિમ અને આત્મઘાતી પગલું કેમ ભર્યું તે અંગે પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓ પણ સ્તબ્ધ છે.
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે રવિવારે સવારે આશરે ૯:૧૫ વાગ્યે તેમના સંબંધી પ્રશિક અજય લાંડગે રેવતીનગર સ્થિત તેમના ઘરે મુલાકાતે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિભાવ ન મળતા તેમને શંકા ગઈ હતી, ત્યારબાદ સંબંધીએ ટીન શેડની મદદથી બીજા માળની ગેલેરીમાં ચઢીને બારીમાંથી જોતા અંદર બંનેના મૃતદેહ દુપટ્ટાથી પંખા સાથે લટકી રહ્યા હતા. બનાવની જાણ થતા જ બેલતારોડી પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડી આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેથી આ અત્યંત રહસ્યમય આપઘાત પાછળ કૌટુંબિક વિવાદ, વ્યક્તિગત કારણો કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર છે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા દંપતીના મોબાઈલ ફોન કોલ ડિટેલ્સ અને નજીકના લોકોની પૂછપરછ કરીને સત્ય બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
