તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સિગરેટ પર એક્સાઇઝ ડ્યુટીમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો થતા વેચાણમાં આશરે 20 ટકા સુધીનો મોટો ઘટાડો
સિગરેટ પીનારા લોકોની સંખ્યામાં બહુ ઘટાડો થયો નથી, પરંતુ ગ્રાહકો પોતાનું માસિક બજેટ જાળવી રાખવા માટે મોંઘી સિગરેટના બદલે સસ્તી બ્રાન્ડ્સ ખરીદી રહ્યા છ

નવી દિલ્હી :સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા ટેક્સ સંબંધિત નિર્ણયોની સીધી અસર હવે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. બજેટમાં એક્સાઇઝ ડ્યુટી વધાર્યા બાદ દેશની અગ્રણી એફએમસીજી (FMCG) કંપનીઓએ સિગરેટની કિંમતોમાં ભારે વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારાને કારણે બજારમાં મોટો આંચકો લાગ્યો છે અને એપ્રિલ-મે મહિનાના પ્રાથમિક આંકડા દર્શાવે છે કે સિગરેટના એકંદર વેચાણમાં આશરે 20 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. મોંઘવારીની સીધી અસર ગ્રાહકોની પસંદગી પર પડી છે અને લોકો હવે મોંઘી બ્રાન્ડ્સ છોડીને સસ્તા વિકલ્પો તરફ વળી રહ્યા છે.
બ્રોકેજ ફર્મ ‘બીએન્ડકે સિક્યોરિટીઝ’ના અહેવાલ મુજબ, કંપનીઓએ પસંદગીના પોકેટ પેક અને પ્રીમિયમ બ્રાન્ડ્સના ભાવમાં મોટો વધારો કર્યો છે. ગોડફ્રે ફિલિપ્સ કંપનીએ તેના લોકપ્રિય ‘પોકેટ માર્લબોરો’ની કિંમત 70 રૂપિયાથી વધારીને સીધી 85 રૂપિયા કરી દીધી છે. બીજી તરફ, માર્કેટ લીડર આઈટીસી (ITC) એ પણ તેના ‘ગોલ્ડ ફ્લેક સુપરસ્ટાર’ ના પેકેટની કિંમત 70 રૂપિયાથી વધારીને 79 રૂપિયા કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીઓની કુલ કમાણીમાં આ પોકેટ પેક પ્રોડક્ટ્સનો હિસ્સો લગભગ 8 થી 12 ટકા જેટલો હોય છે.
બજારમાં આવેલી આ મંદી પાછળ સરકારનો ટેક્સ વધારવાનો નિર્ણય જવાબદાર છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારે સિગરેટ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો કર્યો હતો. કંપનીઓએ આ વધારાનો બોજ પોતાના પર રાખવાને બદલે ગ્રાહકો પર પાસ કરી દીધો. મીડિયા અહેવાલો અનુસાર, કિંમતો વધવાના કારણે એપ્રિલ મહિનામાં જ વેચાણમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ આંચકો સૌથી વધુ ‘પ્રીમિયમ કિંગ-સાઇઝ’ કેટેગરીને લાગ્યો છે, જ્યાં ગ્રાહકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.
આઈટીસીની ‘ક્લાસિક’ કે ‘ગોલ્ડ ફ્લેક કિંગ્સ’ અને ગૉડફ્રે ફિલિપ્સની ‘માર્લબોરો’ જેવી કિંગ-સાઈઝ સિગરેટો હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે. અગાઉ જે સિંગલ સિગરેટ 20 રૂપિયાની આસપાસ મળતી હતી, તેના માટે હવે ગ્રાહકોએ 25 થી 28 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. બજારના વેપારીઓ અને ડીલર્સના જણાવ્યા મુજબ, સિગરેટ પીનારા લોકોની સંખ્યામાં બહુ ઘટાડો થયો નથી, પરંતુ ગ્રાહકો પોતાનું માસિક બજેટ જાળવી રાખવા માટે મોંઘી સિગરેટના બદલે સસ્તી બ્રાન્ડ્સ ખરીદી રહ્યા છે. કંપનીઓની કુલ આવકમાં કિંગ-સાઈઝ સેગમેન્ટનો હિસ્સો 30 ટકાથી વધુ હોવાથી, ગ્રાહકોનું આ શિફ્ટિંગ કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે.
બજારના વિશ્લેષકોના મતે, વેચાણમાં આવેલા આ ઘટાડાને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) સિગરેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં 800 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો આવી શકે છે. સામાન્ય રીતે આઈટીસી જેવી કંપનીઓ સિગરેટ બિઝનેસમાં 70 ટકા જેટલું ઊંચું માર્જિન મેળવે છે, જેથી આ ઘટાડો તેમના નફાને પ્રભાવિત કરશે. જોકે, આ આંચકા છતાં શેરબજારમાં આ કંપનીઓના સ્ટોક્સ સ્થિર જોવા મળ્યા હતા. ગૉડફ્રે ફિલિપ્સનો શેર 2.12% ના વધારા સાથે 2364 રૂપિયા પર અને આઈટીસીનો શેર 0.39% ના નજીવા સુધારા સાથે 311.35 રૂપિયા પર બંધ રહ્યો હતો.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
