તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
તહેવારોની સિઝન વચ્ચે ચોખાના ભાવમાં ભડકો
આમ જનતાને વધુ એક ફટકો : સૌથી વધુ માંગ ધરાવતા વાડા કોલમનો જથ્થાબંધ ભાવ ૬૦ રૂપિયાથી વધીને ૮૦ રૂ. અને છૂટકમાં ૮૫થી રૂ.૯૦ પ્રતિ કિલો થયો

મુંબઈ,તા.૨૪: શાકભાજી અને કઠોળ બાદ હવે રોજિંદા ભોજન માટે જરૂરી એવા ચોખાના ભાવમાં પણ તોતિગ વધારો નોંધાયો છે, જેને લઈ જનતાને વધુ એક ફટકો પડ્યો છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ અનાજ અને કરિયાણાના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીથી માંડીને કઠોળ-દાળ સુધીના ભાવમાં થયેલા તોતિગ વધારાને કારણે સામાન્ય વર્ગના ખિસ્સા પર મોટો બોજ પડશે.
હવે તો સામાન્ય માણસના રોજિદા ભોજનનો હિસ્સો ગણાતા ચોખા પણ મોંઘા થવાના એંધાણ છે. જથ્થાબંધ બજારમાં ચોખાના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જેની સીધી અસર છૂટક બજાર પર જોવા મળી રહી છે. આ ભાવવધારાનો સીધો ફટકો ઘરખર્ચ પર પડી રહ્યો છે. તહેવારોના ટાણે જ ગ્રાહકોના ખિસ્સા હળવા થવાથી આ વખતે દિવાળીનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ માંગ ધરાવતા વાડા કોલમનો જથ્થાબંધ ભાવ ૬૦ રૂપિયાથી વધીને ૮૦ રૂ. અને છૂટકમાં ૮૫થી ૯૦ રૂ. પ્રતિ કિલો થયો છે, જ્યારે સુરતી કોલમનો ભાવ ૫૦ રૂપિયાથી વધીને જથ્થાબંધમાં ૬૫ રૂ.અને છૂટકમાં ૭૫થી ૭૯ રૂ. સુધી વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોના લોકપ્રિય પરિમલ અને મસૂરી ચોખાના જથ્થાબંધ ભાવ પણ વધીને ૪૦ રૂ. પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.
આ વર્ષે ઓછા વરસાદ અને દુષ્કાળની આશંકાને કારણે, ચોખાના પાક અને ઉત્પાદન પર અસર પડી છે. ઉપરાંત, ખરીફ સિઝનમાં ખેતી ખર્ચમાં વધારો અને ચોખાના વાવેતરમાં ઘટાડો થવાને કારણે બજારમાં ચોખાનો પુરવઠો થોડો ધીમો પડ્યો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
