<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

એક નાનકડા 'જુઠ્ઠાણા' અને મજાકમાંથી સર્જાયો કરોડોનો બિઝનેસ! શિક્ષિકાથી સફળ મહિલા ઉદ્યોગપતિ બનેલી વિદુષી ઝાની પ્રેરણાદાયી અને ચોંકાવનારી સફર

જર્મન ભાષાના શિક્ષિકા અને UI/UX પ્રોફેશનલે શરૂ કરી 'ઓખલી મસાલા' બ્રાન્ડ; વિના રાસાયણ, MSG કે લસણ-ડુંગળી વગરના ૧૮થી વધુ શુદ્ધ ઘરેલુ મસાલાઓથી દેશભરના રસોડામાં જમાવી ધાક

નવી દિલ્હી, તા.૨૯: જીવનમાં સફળતાના મોટા શિખરો સર કરવા માટે કે ક્ષેત્ર બદલવા માટે હંમેશા ભવ્ય આયોજનની જરૂર નથી હોતી, ક્યારેક એક નાનકડો હાવભાવ કે રમુજ પણ કિસ્મત બદલી નાખે છે. આવી જ એક પ્રેરણાદાયી અને આશ્ચર્યચકિત કરી દેનારી વાર્તા છે દિલ્હીની વિદુષી ઝાની. એક સમયે શાળામાં બાળકોને જર્મન ભાષા ભણાવતા અને બાદમાં બેંગલુરુમાં આઈટી ક્ષેત્રે UI/UX પ્રોફેશનલ તરીકે તગડો પગાર મેળવતા વિદુષી આજે એક સફળ મહિલા ઉદ્યોગપતિ બની ચૂક્યા છે. તેમણે પોતાના પરિવાર સાથે મળીને "ઓખલી મસાલા" (Okhli Masala) નામે હોમમેઇડ મસાલાની એક મોટી બ્રાન્ડ ઊભી કરી દીધી છે. આ બ્રાન્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના મસાલા કોઈપણ પ્રકારના કેમિકલ, ભેળસેળ કે MSG મુક્ત છે અને તે સંપૂર્ણપણે ડુંગળી તથા લસણ વગર તૈયાર કરવામાં આવે છે.
આ સફળ વ્યવસાયની શરૂઆત પાછળ એક ખૂબ જ રોચક કિસ્સો જોડાયેલો છે. વિદુષી જ્યારે શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા, ત્યારે લંચ બ્રેક દરમિયાન તેમના સાથી શિક્ષકો અને સહકર્મીઓ તેમનો ટિફિનનો ખોરાક ચાખીને આશ્ચર્યચકિત થઈ જતા. ખોરાકના અદ્ભુત સ્વાદનું રહસ્ય પૂછવા પર વિદુષીએ એક દિવસ મજાક-મજાકમાં કહી દીધું કે, "અમારો પરિવાર ઘરે બનાવેલા શુદ્ધ મસાલા વેચે છે." બસ, આ એક નિર્દોષ જુઠ્ઠાણાં કે મજાકે વળાંક લીધો! લોકો વિદુષીના હાથના સ્વાદથી એટલા પ્રભાવિત હતા કે સહકર્મીઓએ સામેથી પૈસા આપીને મસાલા ખરીદવાની માંગ કરી. અહીંથી જ તેમના મનમાં બિઝનેસ આઈડિયાનો અંકુર ફૂટ્યો.
વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન જ્યારે વિદુષી 'વર્ક ફ્રોમ હોમ' કરી રહ્યા હતા, ત્યારે તેમણે આ વિચારને ગંભીરતાથી લીધો અને બ્રાન્ડનું નામ 'ઓખલી મસાલા' રાખ્યું. શરૂઆતમાં સાદા સ્ટીકરો ચોંટાડીને મસાલાનું વેચાણ શરૂ કર્યા બાદ, ગ્રાહકોના બમ્પર પ્રતિસાદને જોઈને વર્ષ ૨૦૨૪માં તેમણે બ્રાન્ડનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન અને જરૂરી તમામ સરકારી લાયસન્સ મેળવી લીધા. આજે 'ઓખલી મસાલા' શાહી પનીર, પાવ ભાજી, સાંભાર, બિરયાની-પુલાવ, તવા મિર્ચ, બેડમી પુરી અને ચટપટા આલૂ મસાલા જેવા ૧૮થી વધુ વિશિષ્ટ મસાલા મિશ્રણો તૈયાર કરે છે, જે ગ્રાહકોની પહેલી પસંદ બની ચૂક્યા છે.
વિદુષીની આ સફળતા પાછળ તેમનો આખો પરિવાર એક મજબૂત ટીમ તરીકે કામ કરી રહ્યો છે. દિલ્હીના પ્રખ્યાત હોલસેલ માર્કેટ 'ખારી બાઓલી'માંથી તેમના પિતા શુદ્ધ કાચો માલ ખરીદી લાવે છે, માતા ઘરે જ મસાલાઓની પરંપરાગત સામગ્રી તૈયાર કરે છે, ભાઈ લોજિસ્ટિક્સ અને ડિલિવરી સંભાળે છે, જ્યારે વિદુષી પોતે પોતાની UI/UX ડિઝાઈનિંગ સ્કિલ્સનો ઉપયોગ કરીને પેકેજિંગ, લેબલિંગ અને બ્રાન્ડિંગનું કામ સંભાળે છે. એક નાનકડી મજાકમાંથી શરૂ થયેલી આ કૌટુંબિક મહેનતે આજે 'ઓખલી મસાલા'ને દેશમાં એક પ્રીમિયમ શુદ્ધ મસાલા બ્રાન્ડ તરીકે નવી ઓળખ અપાવી છે.

(4:27 PM IST)