તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
પાકિસ્તાનમાં માનવાધિકારોનું ચીરેચીરા ઉડતું ચિત્ર: ઇમરાન ખાન અને કાર્યકરો પર થતા અત્યાચારો મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ ઇસ્લામાબાદને આડે હાથ લીધું
જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને મહિલા કાર્યકરોની સુરક્ષા તેમજ અફઘાન શરણાર્થીઓના જબરદસ્તી દેશનિકાલ મામલે UN કમિટી અગેન્સ્ટ ટોર્ચરની ગંભીર ચેતવણી

જિનીવા: પાકિસ્તાનમાં લોકશાહીના નામે ચાલી રહેલા દમન અને માનવાધિકારોના ઉલ્લંઘન પર સંયુક્ત રાષ્ટ્રની 'કમિટી અગેન્સ્ટ ટોર્ચર' (CAT) એ લાલ આંખ કરી છે. સમિતિએ એક સત્તાવાર નિવેદનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, બુશરા બીબી અને માનવાધિકાર કાર્યકર મહરાંગ બલોચની મનસ્વી અટકાયત અને જેલમાં તેમની સાથે થઈ રહેલા વ્યવહાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. યુએન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજકીય વિરોધીઓ અને પત્રકારોને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે આંતરરાષ્ટ્રીય ધોરણોનું સીધું ઉલ્લંઘન છે.
પાકિસ્તાન સરકાર અને લશ્કરી અદાલતો દ્વારા નાગરિક સમાજના કાર્યકરો, વકીલો અને સરકારના ટીકાકારો પર ખોટા આરોપો લગાવી તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સમિતિએ ઇસ્લામાબાદને તાકીદ કરી છે કે જેલવાસ ભોગવી રહેલા તમામ રાજકીય કેદીઓની સ્થિતિની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને તેમને પૂરતી તબીબી સહાય પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત, બળજબરીથી ગુમ કરી દેવામાં આવતા લોકો અને કસ્ટડીમાં થતા અત્યાચારો માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
માનવાધિકાર ભંગના આ અહેવાલમાં ૨૦૨૩ની ગેરકાયદેસર વિદેશી પ્રત્યાવર્તન યોજના હેઠળ લાખો અફઘાન નાગરિકોને જબરદસ્તી પાછા મોકલવાના નિર્ણયને પણ વખોડી કાઢવામાં આવ્યો છે. યુએન સમિતિએ પાકિસ્તાનને આ યોજના રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે, કારણ કે દેશનિકાલ કરાયેલા લોકો પર અફઘાનિસ્તાનમાં ત્રાસ ગુજારવાનું જોખમ રહેલું છે. એકંદરે, પાકિસ્તાનને પોતાની છબી સુધારવા માટે માનવાધિકાર રક્ષકો અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
