<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ડેનમાર્કમાં વહેલી સવારે બે લોકલ ટ્રેનો વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત: સામસામેની ટક્કરમાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, અનેક ગંભીર

કોપનહેગનથી 40 કિમી દૂર હિલેરોડ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ટ્રેનોના એન્જિનનો કચ્ચરઘાણ, બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર અને ઈમરજન્સી ટીમો તૈનાત

કોપનહેગન, તા.23: ડેનમાર્કની રાજધાની કોપનહેગન પાસે આજે વહેલી સવારે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. હિલેરોડ અને કાગેરુપને જોડતી વ્યસ્ત રેલ લાઇન પર બે લોકલ ટ્રેનો સામસામે અથડાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને ટ્રેનોના આગળના ભાગો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય 10 થી 12 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

સવારના આશરે 6:30 વાગ્યે જ્યારે લોકો કામ પર અને બાળકો શાળાએ જવા નીકળ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગ્રેટર કોપનહેગન ફાયર ડિપાર્ટમેન્ટ અને ઉત્તર ઝીલેન્ડ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગ્રીબસ્કોવ શહેરના મેયર ટ્રાઇન એગેટવેડે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રેલ લાઇન સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જીવનદોરી સમાન છે. અકસ્માત બાદ હાલમાં આ રૂટ પરની ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક જ ટ્રેક પર બે ટ્રેનો કેવી રીતે આવી ગઈ અને આ પાછળ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર છે કે માનવીય ભૂલ.

નોંધ: ઘટનાસ્થળના ફોટામાં જોઈ શકાય છે કે ટ્રેનો પાટા પરથી ઉતરી નથી, પરંતુ સામસામેનીજોરદાર ટક્કરને કારણે ડ્રાઈવર કેબિન અને આગળના ડબ્બાઓને ભારે નુકસાન થયું છે. ટ્રેન ડ્રાઈવરોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ નથી.

 

(3:22 PM IST)