News of Saturday, 25th July 2026
પદ અસ્થિરતાનો સિલસિલો: મોદી સરકારના ૧૨ વર્ષના શાસનમાં બદલાયા ચાર શિક્ષણ મંત્રી, એક પણ નેતા પાંચ વર્ષનો સળંગ કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા!
સ્મૃતિ ઈરાનીથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન સુધીના તમામ પ્રધાનો વચગાળેથી વિદાય થવા મજબૂર: બે તબક્કામાં ૫ વર્ષ સુધી મંત્રાલય સંભાળનાર ધર્મેન્દ્ર પ્રધાન સૌથી વધુ સમય પદ પર રહ્યા

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારના વિતેલા ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન શિક્ષણ મંત્રાલય (અગાઉનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય) ને લઈને એક રોચક અને મહત્વપૂર્ણ આંકડો સામે આવ્યો છે. આ ૧૨ વર્ષમાં કુલ ચાર શિક્ષણ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી, પરંતુ કમનસીબે તેમાંથી એક પણ મંત્રી પોતાનો પાંચ વર્ષનો સળંગ પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયની આ અસ્થિરતા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
વર્ષ ૨૦૧૪ માં ભાજપ સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલાં સ્મૃતિ ઈરાનીને આ મહત્વપૂર્ણ મંત્રાલયનો હવાલો સોંપાયો હતો, પરંતુ માત્ર બે વર્ષ અને એક મહિનાના ટૂંકા ગાળામાં જુલાઈ ૨૦૧૬ માં તેમને આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રકાશ જાવડેકરે આ જવાબદારી સંભાળી હતી અને તેઓ પણ મે ૨૦૧૯ સુધી એટલે કે લગભગ ત્રણ વર્ષ સુધી જ આ પદ પર રહી શક્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆતમાં મે ૨૦૧૯ માં રમેશ પોખરિયાલ 'નિશંક' ને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ પણ બે વર્ષ અને એક મહિના બાદ જુલાઈ ૨૦૨૧ માં પદ પરથી મુક્ત થયા હતા.
જુલાઈ ૨૦૨૧ માં મંત્રાલયની કમાન ધર્મેન્દ્ર પ્રધાનને સોંપવામાં આવી હતી, જેમણે જુલાઈ ૨૦૨૬ માં પોતાના રાજીનામા સુધી પાંચ વર્ષથી વધુ સમય સુધી જવાબદારી નિભાવી હતી. ધર્મેન્દ્ર પ્રધાન ૧૨ વર્ષમાં સૌથી લાંબો સમય પદ પર રહેનાર શિક્ષણ મંત્રી બન્યા છે, પરંતુ તેમનો આ સમયગાળો પણ સતત એક જ કાર્યકાળમાં નહીં પરંતુ મોદી સરકારના બીજા અને ત્રીજા કાર્યકાળ વચ્ચે વહેંચાયેલો રહ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
