<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

બોલીવુડનાં ‘‘ક્રાંતિવીર''ની વસમી વિદાઇ

હવે નહિ સંભાળાય ‘‘કંટ્રોલ ઉદય, કંટ્રોલ!! શાનદાર અભિનેતા - જિંદાદિલ ઇન્‍સાન હવે આપણી વચ્‍ચે નથી : નાના પાટેકરનું ગોવામાં હૃદયરોગના હુમલાને કારણે નિધનઃ ૭૫ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્‍વાસઃ ૩ નેશનલ ફિલ્‍મ એવોર્ડ - ૪ ફિલ્‍મફેર એવોર્ડ - પદમશ્રી એવોર્ડ મળ્‍યાઃ ૧૦૦થી વધુ ફિલ્‍મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી : ભગવાન કા દિયા સબકુછ હૈ...: એક મચ્‍છર આદમી કો... આ ગયે મેરી મોત કા તમાશા દેખને... મશહૂર ડાયલોગ

મુંબઇ તા.૮: દિગ્‍ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્‍ચે નથી રહ્યા. ૭૫ વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. નાના પાટેકર ગોવાના ડોના પૌલા સ્‍થિત ઘરમાં બેભાન મળી આવ્‍યા હતા. જ્‍યારે તેમને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા ત્‍યારે ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્‍ટ (હૃદયરોગનો હુમલો) આવ્‍યો હતો. હોસ્‍પિટલ પહોંચ્‍યા પછી ડોક્‍ટરોએ લગભગ ૪૫ મિનિટ સુધી તેમને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. તેમના નિધનના સમાચારથી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.નાનાએ ૧૦૦ થી વધુ ફિલ્‍મોમાં અભિનય કર્યો છે. નાના પાટેકરે ૧૯૮૯ ની ફિલ્‍મ પરિંદામાં અન્નાનું પાત્ર ભજવ્‍યું હતું, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર મળ્‍યો હતો. તેમને ૧૯૯૪ ની ક્રાંતિવીર માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર પણ મળ્‍યો હતો.૧૯૯૬માં આવેલી અગ્નિસાક્ષી ફિલ્‍મ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કાર પણ મળ્‍યો હતો. આનાથી તેમને તેમની કારકિર્દીમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કારો મળ્‍યા. નાના પાટેકરને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ૨૦૧૩માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્‍યા હતા. તેમના લાંબા ફિલ્‍મી કારકિર્દી દરમિયાન, તેમણે હિન્‍દી અને મરાઠી બંને ફિલ્‍મોમાં કામ કર્યું.

 નાના પાટેકરનો જન્‍મ ૧ જાન્‍યુઆરી ૧૯૫૧ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્‍દી અને મરાઠી સિનેમામાં પોતાના દમદાર અભિનયથી એક અલગ ઓળખ બનાવી હતી. તેમના નિધન બાદ ચાહકો અને બોલિવૂડ ઈન્‍ડસ્‍ટ્રીમાં શોકની લહેર છે.

તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકા લાંબા કરિયરમાં તેમણે દર્શકોના દિલમાં સ્‍થાન બનાવ્‍યું હતું અને પોતાની આગવી સંવાદ શૈલી તથા અભિનયની ખાસ છટાથી યાદગાર કિરદારો નિભાવ્‍યા હતા.

નાનાએ ૧૯૭૮ની ફિલ્‍મ ગમનથી હિન્‍દી ફિલ્‍મોમાં પગ મૂક્‍યો હતો. આ પછી તેમણે સલામ બોમ્‍બે!, પરિંદા, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, ખામોશી ધ મ્‍યુઝિકલ, અબ તક છપ્‍પન, વેલકમ અને રાજનીતિ જેવી ફિલ્‍મોમાં કામ કર્યું. તેમના અભિનયના દર્શકોની સાથે સાથ સમીક્ષકોએ પણ ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્‍મ ક્રાંતિવીર માટે નાના પાટેકરને બેસ્‍ટ એક્‍ટરનો નેશનલ ફિલ્‍મ એવોર્ડ મળ્‍યો હતો. આ સિવાય પરિંદા અને અગ્નિસાક્ષી માટે પણ તેમને રાષ્ટ્રીય પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. વર્ષ ૨૦૧૩માં ભારતીય સિનેમામાં યોગદાન બદલ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્‍યા હતા.

નાના પાટેકર માત્ર એક્‍ટર જ નહીં, પરંતુ નિર્દેશક અને લેખક તરીકે પણ કામ કરી ચૂક્‍યા હતા. તેમણે ૧૯૯૧માં ફિલ્‍મ પ્રહારઃ ધ ફાઇનલ અટેકનું નિર્દેશન કર્યું હતું. ફિલ્‍મો ઉપરાંત તેઓ લાંબા સમય સુધી થિયેટર સાથે પણ જોડાયેલા રહ્યા હતા.

નાના પાટેકર માત્ર પડદા પર જ નાયક નહોતા, પરંતુ વાસ્‍તવિક જીવનમાં પણ એક સાચા મસિહા હતા. તેમણે મહારાષ્ટ્રના દુષ્‍કાળગ્રસ્‍ત ખેડૂતોની મદદ માટે નામ ફાઉન્‍ડેશન (NAAM Foundation)ની સ્‍થાપના કરી હતી. પોતાની કમાણીનો મોટો હિસ્‍સો ખેડૂતો અને ગરીબ પરિવારોની મદદમાં આપવા માટે તેઓ જાણીતા હતા. તેમની સાદગી અને સ્‍પષ્ટવક્‍તા શૈલીને કારણે દેશભરમાં તેમને ભારે આદર મળતો હતો.

નાના પાટેકર છેલ્‍લે વિશાલ ભારદ્વાજની રોમેન્‍ટિક એક્‍શન થ્રિલર ઓ રોમિયો માં જોવા મળ્‍યા હતા, જેમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ હતા. ફેબ્રુઆરી ૨૦૨૬ માં રિલીઝ થયેલી આ ફિલ્‍મમાં પાટેકરે મુંબઈ ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરોના વડા ઇસ્‍માઇલ ખાનની ભૂમિકા ભજવી હતી. તેમણે અનિલ કપૂરની ૅસુબેદારૅ માં પણ અભિનય કર્યો હતો, જે માર્ચ ૨૦૨૬ માં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. અગાઉ, તેઓ હાઉસફુલ ૫ (૨૦૨૫) અને વનવાસ (૨૦૨૪) માં દેખાયા હતા. નાના પાટેકરે ૨૦૨૬ માં પ્રકાશ ઝાની રાજકીય નાટક શ્રેણી સંકલ્‍પ સાથે ઓટીટીમાં પણ પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે કન્‍હૈયા લાલની ભૂમિકા ભજવી હતી.

વિશ્વનાથ પાટેકર તરીકે જન્‍મેલા નાના પાટેકરે ૧૯૭૮ માં ફિલ્‍મ ગમન થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને હિન્‍દી અને મરાઠી સિનેમાના સૌથી પ્રખ્‍યાત કલાકારોમાંના એક તરીકે પોતાને સ્‍થાપિત કર્યા હતા. અંકુશ, પ્રતિઘાત,સલામ બોમ્‍બે! અને પરિંદા જેવી ફિલ્‍મોથી તેમણે મોટી સફળતા મેળવી. તેમણે પ્રહારઃ ધ ફાઇનલ એટેક, અંગાર, તિરંગા, ક્રાંતિવીર, અગ્નિ સાક્ષી, ખામોશીઃ ધ મ્‍યુઝિકલ, અબ તક છપ્‍પન, અપહરન, અને ૅરાજનીતીૅ જેવી ફિલ્‍મોમાં પણ શાનદાર અભિનય કર્યો. વેલકમ અને વેલકમ બેકમાં ઉદય શેટ્ટીની ભૂમિકા માટે તેઓ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્‍યા. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે ત્રણ રાષ્ટ્રીય ફિલ્‍મ પુરસ્‍કારો જીત્‍યા અને ૨૦૧૩ માં પદ્મશ્રીથી સન્‍માનિત થયા. (૩૮.૨૦)

નિધન અંગે ડોક્‍ટરનું નિવેદન

મુંબઇ તા.૮: ડોક્‍ટરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્‍યું કે જ્‍યારે નાના પાટેકરને હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા ત્‍યારે તેમનું મોત થઈ ચૂક્‍યું હતું. તેમને સવારે લગભગ ૫.૩૦ કલાકે મૃત જાહેર કરાયા.

* ડોક્‍ટરે  કહ્યું કે, તેમને બચાવવાની પૂરેપૂરી  કોશિશ કરાઈ હતી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાનાને લગભગ ૪૫ મિનિટથી એક કલાક સુધી કાર્ડિયાક મસાજ આપવામાં આવ્‍યો હતો  પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

* તેમના જણાવ્‍યાં મુજબ નાના સાથે ફેમિલીનું કોઈ નહતું. મિત્ર અને કેર ટેકર હતા.

* રાતે લગભગ ૨.૩૦ કલાકે નાના પાટેકરે પોતાના એક મિત્રને મેસેજ કર્યો હતો કે તેમને તબિયત ઠીક લાગતી નથી. સારું નથી લાગતું.

* પરંતુ રાતનો સમય હતો એટલે તેમના મિત્રએ તે મેસેજ  ત્‍યારે જોયો નહીં. ત્‍યારબાદ તેમણે નાનાને ફોન કર્યો અને લગભગ ૪ વાગે તેમના ઘરે પહોંચ્‍યા.

* તે સમયે નાનાને ખુબ પરસેવો વળી રહ્યો હતો અને તેમની હાલત બગડી રહી હતી. તેમને સંભાળવાની ખુબ કોશિશ કરાઈ પરંતુ  તેઓ ધીરે ધીરે બેહોશ થવા લાગ્‍યા હતા.

* ત્‍યારબાદ કેરટેકરને હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યો અને હોસ્‍પિટલની એમ્‍બ્‍યુલન્‍સ બોલાવાઈ.

* હોસ્‍પિટલની ઈમરજન્‍સી ટીમ જ્‍યારે તેમના ઘરે પહોંચી તો નાના પાટેકર સંપૂર્ણ રીતે નોન રિએક્‍ટિવ હતા.

* ટીમે તરત કાર્ડિયાક મસાજ આપવાનું શરૂ કર્યું હતું. ત્‍યારબાદ તેમને સવારે લગભગ ૪.૨૦ થી ૪.૩૦ વાગ્‍યા વચ્‍ચે મણિપાલ હોસ્‍પિટલ લઈ જવાયા.

* ડોક્‍ટરોએ તેમને બચાવવાની પૂરેપૂરી  કોશિશ કરી હતી પરંતુ તેમને મૃત અવસ્‍થામાં હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા હતા.

* નાનાના અંતિમ પળોનું દર્દ જાણીને ફેન્‍સ પણ દુખી થઈ રહ્યા છે ત્‍યારે અહીં એ સવાલ પણ થાય કે શું સમયસર મેડિકલ મદદ મળત તો નાના બચી શકે તેમ હતા?

(10:22 AM IST)