News of Friday, 4th September 2026
માનસિક રોગોની સારવારમાં ક્રાંતિ: PTSDના ગંભીર દર્દીઓ માટે MDMA થેરાપીને ન્યુઝીલેન્ડમાં લીલી ઝંડી, ઓસ્ટ્રેલિયા બાદ મંજૂરી આપનારો વિશ્વનો બીજો દેશ બન્યો
મેડસેફ દ્વારા બે મનોચિકિત્સકોને સ્પેશિયલ લાયસન્સ: દર્દીઓને ઘરે દવા નહીં મળે, ક્લિનિકલ સેટિંગમાં કડક દેખરેખ વચ્ચે અપાશે સાયકાડેલિક સેશન્સ

ઓકલૅન્ડ, તા.૦૪: માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે એક અત્યંત ચોંકાવનારો પરંતુ આશાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. કોઈ મોટી આઘાતજનક ઘટના કે અકસ્માત બાદ મગજ પર પડતી ઊંડી છાપ એટલે કે 'પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર' (PTSD) ની સારવાર માટે હવે ન્યુઝીલેન્ડે 'MDMA' (જે સામાન્ય ભાષામાં એક્સ્ટેસી તરીકે ઓળખાય છે) ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયા પછી આવી જટિલ સારવાર માટે સાયકાડેલિક દવાનો ઉપયોગ કરવાની છૂટ આપનારો ન્યુઝીલેન્ડ વિશ્વનો બીજો દેશ બની ગયો છે. દેશના મેડિકલ રેગ્યુલેટર 'મેડસેફ' દ્વારા બે વરિષ્ઠ મનોચિકિત્સકોને ફાર્માસ્યુટિકલ-ગ્રેડ MDMA લખવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ સીમોરે આ ઐતિહાસિક પગલાંને આવકારતાં જણાવ્યું હતું કે, PTSD વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે છિન્નભિન્ન કરી દે છે અને પરંપરાગત દવાઓથી તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ છે. તેવામાં મનોચિકિત્સા સાથે MDMA થેરાપીનું મિશ્રણ દર્દીઓને આ ગંભીર આઘાતમાંથી બહાર લાવવામાં જાદુઈ અસર દર્શાવી શકે છે. જોકે, આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ દવા દર્દીઓને ઘરે લઈ જવા માટે નહીં મળે. ૧૮ વર્ષથી વધુ વયના ગંભીર દર્દીઓને તબીબોની સીધી દેખરેખ હેઠળ ક્લિનિકમાં જ આ થેરાપી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઈઝરાયેલમાં થયેલા એક સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે આઘાતજનક પ્રસંગો સમયે MDMAના યોગ્ય ડોઝથી મગજ પરની નકારાત્મક અસરો ઓછી થઈ હતી. જ્યારે અમેરિકાની FDA એ હજુ વધુ પુરાવાઓની જરૂરિયાત દર્શાવીને તેને અટકાવી રાખ્યું છે, ત્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો દ્વારા લેવાયેલો આ નવતર નિર્ણય માનસિક રોગોની સારવારના ક્ષેત્રે ભવિષ્યમાં એક નવો સૂર્યોદય સાબિત થઈ શકે છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
