<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો: ૩.૭૫ લાખથી વધુ ખાતાધારકોનો સંવેદનશીલ ડેટા લીક થયાનો હેકર ગ્રુપનો સનસનાટીભર્યો દાવો

અજાણ્યા સાયબર ક્રિમિનલ્સે ગ્રાહકોના અંગત દસ્તાવેજો, લોન અરજીઓ અને ખાતા ખોલાવવાના ફોર્મ્સ ડાર્ક વેબ પર હોવાનો કર્યો દાવો; નાણાકીય છેતરપિંડી અને ફિશિંગ એટેકનો ભય વધ્યો.

નવી દિલ્હી : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કરોડો ગ્રાહકોની સુરક્ષા સામે ચિંતા ઉપજાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. 'સિરિયસિમ' (SiriusSim) નામના એક અજાણ્યા હેકર ગ્રુપે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેમની પાસે એસબીઆઈના આશરે ૩.૭૫ લાખ ગ્રાહકોના પ્રાઈવેટ રેકોર્ડ્સ અને હજારો સંવેદનશીલ દસ્તાવેજોનો કબ્જો છે. આ દાવો બહાર આવ્યા બાદ સાયબર સુરક્ષા વર્તુળો અને એસબીઆઈના ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

સાયબર સુરક્ષા પર સતત નજર રાખતી સંસ્થા 'સાયબરપ્લસ56' એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ મામલે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, હેકર્સ કથિત રીતે સીએસવી (CSV) ફોર્મેટમાં ૩.૭૫ લાખથી વધુ રેકોર્ડ્સ અને ૨,૭૨૨ જેટલી મહત્વપૂર્ણ પીડીએફ (PDF) ફાઈલો ધરાવે છે. કથિત રીતે લીક થયેલા આ ડેટામાં ગ્રાહકોના નામ, ઘરના સરનામાં, લોન અરજીના રેકોર્ડ્સ, ખાતું ખોલાવવા માટે જમા કરાવાયેલા આધાર-પાન કાર્ડ જેવા ઓળખના પુરાવા અને અન્ય અત્યંત ખાનગી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

 

જો કે, બેંકના ડેટા ચોરી થયાના કે સિસ્ટમ હેક થયાના આ દાવાની હજુ સુધી સત્તાવાર કે સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. આ ડેટા બેંકના મુખ્ય સર્વરથી લીક થયો છે કે પછી કોઈ થર્ડ-પાર્ટી વેન્ડર કે એજન્સી દ્વારા બહાર આવ્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે. તેમ છતાં, આટલી મોટી સંખ્યામાં વ્યક્તિગત રેકોર્ડ્સ સાર્વજનિક થવાથી ગ્રાહકોના નાણાકીય હિતો સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

 

સુરક્ષા નિષ્ણાતોના મતે, જો આ દાવા સાચા સાબિત થાય તો હેકર્સ આ ડેટાનો ઉપયોગ ગ્રાહકો સાથે નાણાકીય છેતરપિંડી કરવા, ફેક કોલ કે ફિશિંગ મેસેજ મોકલીને બેંક એકાઉન્ટ ખાલી કરવા અથવા ગ્રાહકોના નામે બોગસ લોન અરજીઓ કરવા માટે કરી શકે છે. ભારતમાં નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાનું જોખમ સતત વધી રહ્યું છે ત્યારે આ ઘટનાએ બેંકિંગ ક્ષેત્રમાં ડેટા સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

(8:00 PM IST)