તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
માત્ર ૨૪ કલાકમાં તિરુપતિ બાલાજી મંદિરને ૯૬.૯૮ કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું
અચાનક તિરુપતિ બાલાજીના મંદિરે દાન આપવા કેમ ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ? ધાર્મિક ઉત્સાહની લહેર આવીઃ મંદિરની કુલ સંપત્તિ લગભગ ૩.૩૮ લાખ કરોડ રૂપિયા : તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી ૧૫ જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છેઃ હજારો શ્રદ્ધાળુઓએ નવી પોલિસી અમલમાં આવે તે પહેલાં જ દાન આપીને જૂના નિયમો હેઠળના આજીવન લાભો પોતાના માટે સુરક્ષિત કરી લીધા

તિરૂપતિ તા.૧૭: આંધ્રપ્રદેશના તિરુમલા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી)માં મંગળવારે એવી ધાર્મિક ઉત્સાહની લહેર આવી કે માત્ર ૨૪ કલાકમાં મંદિરને ૯૬.૯૮ કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું. પહેલી નજરે લાગે છે કે આ તો ભક્તોની અપાર શ્રદ્ધાનું પરિણામ હશે, પણ વાત થોડી જુદી છે. આ પાછળનું મુખ્ય કારણ છે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી, જે ૧૫ જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છે.
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી ૧૫ જુલાઈની મધરાતથી અમલમાં આવી ગઈ છે. આ પોલિસી અમલમાં આવતાની સાથે જ દાતાઓને મળતી આજીવન સુવિધાઓમાં મોટા ફેરફારો થયા છે. તેથી હજારો શ્રદ્ધાળુઓએ નવી પોલિસી અમલમાં આવે તે પહેલાં જ દાન આપીને જૂના નિયમો હેઠળના આજીવન લાભો પોતાના માટે સુરક્ષિત કરી લીધા.
રિપોર્ટ અનુસાર, મંગળવારે કુલ ૨૪૬૦ દાતાઓએ મંદિરમાં દાન આપ્યું. જેમાં ૧૨૧૨ શ્રદ્ધાળુઓએ ૧ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીનું દાન આપ્યું, જ્યારે ૧,૨૪૬ લોકોએ ૧૦ લાખથી ૨૫ લાખ રૂપિયા સુધીનું યોગદાન આપ્યું. આ ઉપરાંત બે શ્રદ્ધાળુઓએ એક-એક કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દાનદાતાઓના આવવાથી મંદિર વહીવટી તંત્રને પણ રેકોર્ડ આવક થઈ.
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ ૩.૩૮ લાખ કરોડ રૂપિયા છે, જે અનેક નાના દેશોની ઞ્ઝભ્ કરતાં પણ વધારે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં મંદિરની હૂંડી (દાન પેટી)માં જ ૧,૭૩૮ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ છે. એટલે કે મંદિરને રોજ સરેરાશ ૪.૭૫ કરોડ રૂપિયાનું દાન મળે છે.
TTDના આંકડા પ્રમાણે, મંદિરમાં અત્યાર સુધીમાં ૧,૯૭,૮૮૮ રજિસ્ટર્ડ દાતાઓ છે. તેમાંથી લગભગ ૧.૫ લાખ લોકોએ ૧ લાખ રૂપિયા કે તેથી વધુનું દાન આપ્યું છે, જ્યારે આશરે ૨૨,૦૦૦ શ્રદ્ધાળુઓએ ૧૦ લાખથી વધુનું દાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા દાતાઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા દાતાઓની સંખ્યા એટલી વધી ગઈ કે TTDએ પોલિસી બદલવાનો નિર્ણય કર્યો.
TTD બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડુએ કહ્યું કે છેલ્લા ચાર મહિનામાં જ ૧૦ લાખથી વધુ દાન આપનારા ૩૦૦૦ નવા દાતાઓ જોડાયા છે. આ વધારો જોઈને પારદર્શિતા અને એકરૂપતા લાવવા માટે નવી પોલિસી જરૂરી બની ગઈ હતી. તેમનું કહેવું છે કે, નવી વ્યવસ્થાનો ઉદ્દેશ દાતાઓ અને સામાન્ય શ્રદ્ધાળુઓના હિત વચ્ચે સંતુલન જાળવવાનો છે, જેથી દર્શન વ્યવસ્થા વધુ વ્યવસ્થિત અને પારદર્શી બને.
નવી પોલિસીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે દાતાઓને મળતી સુવિધાઓ આજીવન રહેશે નહીં. પહેલા જે શ્રદ્ધાળુઓ નક્કી રકમ દાન આપતા હતા, તેમને આજીવન અનેક વિશેષ સુવિધાઓ મળતી હતી. જેમાં સુપ્રભાત સેવા, વિશેષ દર્શન, રહેવાની સુવિધા, લાડુ, ભેટ રેશમી વષાો અને સોના-ચાંદીના સિક્કા જેવા ઉપહારો સામેલ હતા.
હવે નવી વ્યવસ્થા અનુસાર, વ્યક્તિગત દાતાઓને મળતા વિશેષાધિકાર માત્ર ૨૦ વર્ષો સુધી માન્ય હશે, જ્યારે સંસ્થાઓ અને ટ્રસ્ટો માટે આ સમયગાળો ૧૫ વર્ષ નક્કી કરાયો છે. એટલે કે હવે કોઈપણ નવા દાતા લાઈફટાઈમ આ સુવિધાઓનો લાભ નહીં ઉઠાવી શકે. TTDએ દાનની જૂની સ્લેબ પદ્ધતિ પણ રદ કરી દીધી છે. દાતાઓને ચાર અલગ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવશે. તમામ પ્રક્રિયા હવે ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા થશે, જેથી મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થાય અને પારદર્શિતા વધે.
સુપ્રભાત સેવા, વિશેષ દર્શન, લાડુ, ભેટસોગાદ જેવી સુવિધાઓમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પહેલા ૫૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધુ દાન આપનાર શ્રદ્ધાળુઓને દર વર્ષે એકથી ત્રણ વખત સુપ્રભાત સેવામાં સામેલ થવાનો અવસર મળતો હતો. હવે આ સુવિધા ફક્ત એકવાર જ ઉપલબ્ધ હશે. એટલે કે વારંવાર મળતા વાર્ષિક લાભ સમાપ્ત કરી દેવાયા છે.
દાતાઓને આપવામાં આવતા સ્મૃતિૃ-ચિホ અને ભેટમાં પણ ફેરફાર થયા છે. પહેલા એક કરોડ રૂપિયાનું દાન આપનારને પાંચ ગ્રામનો સોનાનો સિક્કો અને ૫૦ ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવતો હતો. નવી વ્યવસ્થામાં ૫૦ લાખથી ૧.૫ કરોડ રૂપિયા સુધીનું દાન આપનાર નવા દાતાઓને માત્ર ૨ ગ્રામનો સોનાનો સિક્કો અને ૧૦ ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે.
જોકે, ૧૫ જુલાઈની અડધી રાત પહેલા દાન આપનાર તમામ જૂના દાતાઓને પહેલેથી મળતી આજીવન સુવિધાઓ પહેલાની જેમ જ મળતી રહેશે. આ કારણે નવી વ્યવસ્થા લાગુ થાય એ પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાન આપીને જૂના નિયમ હેઠળ મળતા લાભ સુરક્ષિત કરી દીધા. આ કારણે તિરુપતિ બાલાજી મંદિરે એક દિવસમાં લગભગ ૯૭ કરોડ રૂપિયાના રિપોર્ટ દાન મેળવીને નવો ઈતિહાસ રચ્યો
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
