<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમેરિકામાં દેશનિકાલનો સામનો કરી રહેલા 16 લાખ ઇમિગ્રન્ટ્સ માટે આશાનું કિરણ: ડેમોક્રેટ્સે ‘ગ્રીન કાર્ડ’ મેળવવાનો નવો રસ્તો ખોલતું ‘પ્રોટેક્ટ અવર નેબર્સ એક્ટ’ બિલ રજૂ કર્યું

અંતિમ દેશનિકાલના આદેશ બાદ પણ 10 વર્ષથી અમેરિકામાં રહેતા લોકોને કાયમી રહેઠાણ મળશે; ભારતીય મૂળના 73 વર્ષીય હરજીત કૌરના દેશનિકાલના કિસ્સા બાદ લેવાયો મોટો નિર્ણય, જૂના આદેશો 10 વર્ષે આપમેળે રદ કરવાની જોગવાઈ

વોશિંગ્ટન, તા. ૨૬: અમેરિકામાં દાયકાઓથી વસવાટ કરવા છતાં માથે દેશનિકાલ (Deportation)ની તલવાર લટકી રહી હોય તેવા લાખો ઇમિગ્રન્ટ્સ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએસમાં ડેમોક્રેટિક સાંસદોના એક જૂથે ‘પ્રોટેક્ટ અવર નેબર્સ એક્ટ’ (Protect Our Neighbors Act) નામનું એક મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે, જે અંતર્ગત અંતિમ દેશનિકાલનો આદેશ મળ્યો હોવા છતાં ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતા યોગ્ય ઇમિગ્રન્ટ્સને ‘ગ્રીન કાર્ડ’ (કાયમી રહેઠાણ) મેળવવાનો નવો માર્ગ પૂરો પાડવામાં આવશે.

કેલિફોર્નિયાના ડેમોક્રેટિક પ્રતિનિધિઓ લતીફાહ સિમોન, ઝો લોફગ્રેન, જોન ગેરામેન્ડી અને જુઆન વર્ગાસ દ્વારા રજૂ કરાયેલા આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને રક્ષણ આપવાનો છે જેમણે અમેરિકામાં પોતાનું જીવન ઘડ્યું છે. આ પ્રસ્તાવ મુજબ, જે ઇમિગ્રન્ટ્સ અંતિમ દેશનિકાલનો આદેશ મળ્યા બાદ સતત 10 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોય, જેમણે ફરાર થયા વિના તમામ કાયદાકીય દેખરેખ અને શરતોનું પાલન કર્યું હોય, જેમનો કોઈ ગુનાહિત કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ રેકોર્ડ ન હોય અને જેમણે નિયમિત ફેડરલ આવકવેરા રિટર્ન ભર્યા હોય, તેઓ $1,200 સુધીની ફી ભરીને ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે.

આ ખરડાની સૌથી ક્રાંતિકારી જોગવાઈ દેશનિકાલના આદેશોની સમયસીમાને લઈને છે. હાલના કાયદા મુજબ દેશનિકાલના આદેશો ક્યારેય સમાપ્ત થતા નથી અને અનિશ્ચિત સમય સુધી અમલમાં રહે છે. પરંતુ આ નવા બિલ મુજબ, આવા આદેશો 10 વર્ષ પછી આપમેળે સમાપ્ત થઈ જશે. જો સરકારી વિભાગ (DHS) 10 વર્ષ પછી પણ આદેશ લંબાવવા માંગતું હોય, તો તેણે ઇમિગ્રેશન જજ સમક્ષ વિલંબનું યોગ્ય કારણ અને જાહેર હિત સાબિત કરવું પડશે.

આ બિલ પાછળ ભારતીય મૂળના 73 વર્ષીય મહિલા હરજીત કૌરનો ભાવુક કિસ્સો પણ કેન્દ્રસ્થાને રહ્યો છે. કેલિફોર્નિયામાં 30 વર્ષથી વધુ સમય સુધી રહીને પોતાના બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો ઉછેર કરનાર હરજીત કૌરની સપ્ટેમ્બર 2025માં નિયમિત ચેક-ઇન દરમિયાન અટકાયત કરીને તેમને ભારત પરત મોકલી દેવાયા હતા. તેમના આ દેશનિકાલ બાદ લાંબા સમયથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સના અધિકારો માટે મોટું આંદોલન શરૂ થયું હતું.

સરકારી આંકડા મુજબ, ફેબ્રુઆરી 2026 સુધીમાં અમેરિકામાં અંદાજે 16 લાખ (1.6 મિલિયન) લોકો સામે અંતિમ દેશનિકાલના આદેશો પેન્ડિંગ છે. જોકે, આ બિલને કાયદો બનવા માટે હજુ કપરો રસ્તો કાપવાનો છે. હાલમાં કોંગ્રેસના બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે, પરંતુ જાન્યુઆરી 2027માં ડેમોક્રેટ્સ બંને ગૃહો પર નિયંત્રણ મેળવવા જઈ રહ્યા હોવાથી આ બિલને વેગ મળી શકે છે. તેમ છતાં, અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી જરૂરી રહેશે, જેઓ ઇમિગ્રેશન મામલે કડક વલણ ધરાવે છે.

(5:26 PM IST)