<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અમેરિકામાં હરણને બચાવવા જતાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં તેલંગાણાના આશાસ્પદ યુવકનું કરુણ મોત

​ઉચ્ચ અભ્યાસ બાદ માત્ર એક સપ્તાહ પહેલાં જ નોકરી મળી હતી; ન્યૂયોર્કના હાઈવે પર કાર હરણ સાથે અથડાયા બાદ પાછળથી આવતી કાર્ગો વાને ટક્કર મારતાં ચાર વાહનો વચ્ચે ભયાનક શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાયો

​ન્યૂયોર્ક/હૈદરાબાદ: ​અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને ઉજ્જવળ ભવિષ્યના સપનાં જોઈ રહેલા તેલંગાણાના 25 વર્ષીય યુવકનો માર્ગ અકસ્માતમાં કરુણ અંત આવ્યો છે. ન્યૂયોર્ક સ્ટેટના કેનાજોહારી (Canajoharie) વિસ્તારમાં હાઈવે પર અચાનક હરણ આડું ઉતરતાં સર્જાયેલા વિચિત્ર અને શ્રેણીબદ્ધ અકસ્માતમાં તેલંગાણાના નલગોંડા જિલ્લાના મુનુગોડ ગામના વતની ઈરામલ્લા સાઈ તેજાનું મોત નીપજ્યું છે. આઘાતજનક બાબત એ છે કે સાઈ તેજાને હજુ એક અઠવાડિયા પહેલાં જ અમેરિકામાં નોકરી મળી હતી, પરંતુ પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.

​ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ દ્વારા જારી કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, આ ગોઝારી દુર્ઘટના 18 નવેમ્બરની સાંજે આશરે 6:34 વાગ્યે ઈન્ટરસ્ટેટ-90 (I-90) થ્રુવે ઈસ્ટબાઉન્ડ હાઈવે પર બની હતી. ન્યૂયોર્કના યુટિકા (Utica) ખાતે રહેતો સાઈ તેજા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક હાઈવે પર એક હરણ દોડી આવ્યું હતું. હરણ સાથે કાર અથડાતાં સાઈ તેજાની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તે હાઈવેની ટ્રાવેલ લેનમાં જ બંધ પડી ગઈ હતી.

​સાઈ તેજા કશું સમજે કે કારને સાઈડમાં કરે તે પહેલાં જ પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર્ગો વાને તેની ઊભેલી કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેની અસરથી પાછળ આવી રહેલા અન્ય બે વાહનો પણ એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે હાઈવે પર કુલ ચાર વાહનોનો ભયાનક 'ચેઈન-રિએક્શન' અકસ્માત સર્જાયો હતો.

​આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાઈ તેજાને તાત્કાલિક નજીકની સેન્ટ મેરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત, સાઈ તેજાની કારમાં સવાર અન્ય એક મુસાફરને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા એરલિફ્ટ કરીને આલ્બાની મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. જ્યારે કાર્ગો વાનના એક મુસાફરને પણ સામાન્ય ઈજાઓ થતાં સેન્ટ મેરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

​દુર્ઘટના બાદ પોલીસ અને બચાવ ટુકડીઓએ તપાસ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી માટે એક્ઝિટ 29 અને 28 વચ્ચેના તમામ ઈસ્ટબાઉન્ડ લેન બંધ કરી દીધા હતા. બીજા દિવસે 19 નવેમ્બરના રોજ વહેલી સવારે 1:15 વાગ્યે હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો. હાલ ન્યૂયોર્ક પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

​મૃતક સાઈ તેજા તેલંગાણાના મુનુગોડ ખાતે રહેતા ઈરામલ્લા પ્રસાદ અને શ્રીકન્યા દંપતીનો સૌથી મોટો પુત્ર હતો. ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયેલા પુત્રને નોકરી મળ્યાના સમાચારથી પરિવારમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ થોડા જ દિવસોમાં આવેલા આ અણધાર્યા મોતના સમાચારથી સમગ્ર મુનુગોડ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. હાલ સાઈ તેજાના પાર્થિવ દેહને વતન ભારત પરત લાવવા માટે પરિવારજનો અને સ્થાનિક સંગઠનો દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(4:01 PM IST)