તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ઋષીકેશમાં રસ્તા પરના ખાડાએ સ્મશાનમાં લઈ જવાતા મૃત માણસને જીવતો કરી દીધો
ઋષિકેશમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહેલા સાઈ રામની એમ્બ્યુલન્સ ખાડામાં ખાબકતાં અચાનક તેમણે આંખો ખોલી અને શ્વાસ લેવા લાગ્યા : પરિવારજનોએ તરત સ્મશાનનું બુકિંગ રદ કરાવી તેમને સારવાર માટે AIIMS ખસેડ્યા

ઋષીકેશ તા.૧૧: મૃત્યુ પછી પણ કોઈ વ્યક્તિ ફરી જીવતી થઈ જાય એવી ફિલ્મી વાર્તા જેવી ચોંકાવનારી ઘટના ઉત્તરાખંડના હૃષીકેશમાંથી સામે આવી છે. અહીં એક તરફ પરિવારજનો સ્વજનના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યાં જ રસ્તામાં એક એવા ચમત્કારે સૌને દંગ કરી દીધા કે હોસ્પિટલથી લઈને સ્મશાન સુધી હલચલ મચી ગઈ.
ઋષીકેશના ગીતાનગરની ગલી-નંબર પાંચમાં રહેતા સાઈ રામને કિડની ફેલ થવાને કારણે અને બે વાર હાર્ટ-અટેક આવ્યા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારે રડતા હૃદયે અંતિમ યાત્રા માટે ઍમ્બ્યુલન્સ બુક કરાવી હતી. ઍમ્બ્યુલન્સ સાઈ રામના પાર્થિવ દેહને લઈને શ્યામપુર રેલવે-ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ રસ્તામાં આવેલો એક ઊંડો ખાડો જાણે વરદાનરૂપ સાબિત થયો હતો. એમ્બ્યુલન્સનું ટાયર રસ્તાના ઊંડા ખાડામાં ખાબકતાં જ ગાડીને ઝટકો લાગ્યો. આ ઝટકો લાગતાં જ મૃતાત્મા ગણાતા સાઈ રામે અચાનક આંખો ખોલી દીધી, તેમના શ્વાસ પાછા ચાલવા લાગ્યા અને જીવ પણ પાછો આવી ગયો. બપોરે આશરે ૨.૩૦ વાગ્યે પરિવારજનોએ સ્મશાન સમિતિને ફોન કરીને કહ્યું, ‘ચિંતાનું બુકિગ કેન્સલ કરી દો. ખાડાના આંચકાથી સાઈ રામજી જીવતા થઈ ગયા છે.'
ચમત્કારિક રીતે શ્વાસ પાછા આવ્યા બાદ તેમને તાત્કાલિક હૃષીકેશની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્મશાન સુધી પહોંચતાં પહેલાં ખાડાને લીધે મળેલા નવા જીવનની આ અજીબોગરીબ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
