<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

યુધ્‍ધના પગલે યુરોપમાં જીવલેણ સુપર બગ્‍સનો કહેર

યુદ્ધના મેદાનમાં ઘાયલ થતા સૈનિકોને બચાવવા આડેધડ એન્‍ટીબાયોટિક દવાઓનો ઉપયોગઃ પરિણામે, બેક્‍ટેરિયાએ દવાઓ સામે અત્‍યંત મજબૂત પ્રતિકારક શક્‍તિ મેળવી લીધીઃ એક નવી વૈશ્વિક મહામારી ફાટી નીકળવાની પૂરી શક્‍યતા

લંડન,તા.૮: યુક્રેનથી આવતા ઇજાગ્રસ્‍ત સૈનિકો અને નાગરિકો મારફતે યુરોપની હોસ્‍પિટલોમાં જીવલેણ સુપરબગ્‍સ ફેલાઈ રહ્યા છે. આ બેક્‍ટેરિયા પર કોઈ દવાની અસર ન થતી હોવાથી આરોગ્‍ય નિષ્‍ણાતોએ ગંભીર ચેતવણી ઉચ્‍ચારી છે.

યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં સર્જાયેલી ભારે તબાહી અને મેડિકલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના કચ્‍ચરઘાણને કારણે એક નવી જ મહામારીએ માથું ઊંચક્‍યું છે. યુદ્ધના મેદાનમાં ઘાયલ થતા સૈનિકોને બચાવવા માટે આડેધડ એન્‍ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. પરિણામે, બેક્‍ટેરિયાએ દવાઓ સામે અત્‍યંત મજબૂત પ્રતિકારક શક્‍તિ કેળવી લીધી છે.

દૂષિત ઘા, સ્‍વચ્‍છતાનો અભાવ અને દર્દીઓથી ઉભરાતી હોસ્‍પિટલોએ આ સ્‍થિતિને અત્‍યંત ગંભીર બનાવી દીધી છે. હવે જ્‍યારે આ ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વધુ સારવાર માટે યુરોપના અન્‍ય દેશોની હોસ્‍પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે, ત્‍યારે તેમની સાથે આ ખતરનાક સુપરબગ્‍સ પણ સરહદો પાર કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય આરોગ્‍ય નિષ્‍ણાતો માની રહ્યા છે કે આ માત્ર એક મેડિકલ કટોકટી નથી, પરંતુ સમગ્ર યુરોપની સુરક્ષા માટે પણ મોટો ખતરો બની ગઈ છે. પશ્ચિમી દેશોના કેટલાક સંરક્ષણ અને આરોગ્‍ય અહેવાલોમાં એવી પણ દહેશત વ્‍યક્‍ત કરવામાં આવી છે કે આ દર્દીઓ અજાણતાં જ એક જૈવિક હથિયાર તરીકે કામ કરી રહ્યા છે.

યુરોપની અત્‍યાધુનિક હોસ્‍પિટલોમાં પણ આ અજાણ્‍યા અને જીદ્દી સ્‍ટ્રેઇનની હાજરી નોંધાઈ છે, જેનો ઈલાજ કરવો તબીબો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. જો આ સંક્રમણને વહેલી તકે ડામવામાં નહીં આવે તો ભવિષ્‍યમાં એક નવી વૈશ્વિક મહામારી ફાટી નીકળવાની પૂરી શક્‍યતા છે

(10:05 AM IST)