<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

માનવ શરીરમાં 271 દિવસ સુધી ધબકી ડુક્કરની કિડની, મેડિકલ સાયન્સમાં રચાયો નવો ઇતિહાસ

ડૉક્ટરોએ જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરની કિડનીનું 66 વર્ષીય દર્દીમાં સફળ પ્રત્યારોપણ કરી અંગદાનની અછત દૂર કરવા નવી આશા જગાડી

બૉસ્ટન :અમેરિકાના બૉસ્ટન ખાતે આવેલી માસ જનરલ બ્રિઘમ હૉસ્પિટલમાં ગત ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ તબીબોની ટીમે ટાઇપ-૨ ડાયાબિટીસ અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા ૬૬ વર્ષીય ટિમ ઍન્ડ્ર્યુઝ નામના દર્દીના શરીરમાં ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન પદ્ધતિથી ડુક્કરની કિડનીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું હતું, જે માનવ શરીરમાં વિક્રમજનક ૨૭૧ દિવસ સુધી સફળતાપૂર્વક કાર્યરત રહીને મેડિકલ જગતમાં એક નવો આશાવાદ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ચૂકી છે.

આ વિશિષ્ટ સર્જરી માટે 'યુકાટાન મિનિએચર પિગ' પ્રજાતિના ભૂંડના જિન્સમાં ૬૯ પ્રકારના ફેરફારો કરીને તેને માનવ રોગપ્રતિકારક તંત્ર માટે અનુકૂળ બનાવવામાં આવ્યું હતું જેથી શરીર તેનો તાત્કાલિક અસ્વીકાર ન કરે. સાત વર્ષના લાંબા વેઇટિંગ પિરિયડને કારણે નિરાશ થયેલા દર્દી ટિમ ઍન્ડ્ર્યુઝે આ પ્રયોગ વિશે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "આશા એ સૌથી મોટી બાબત હતી, જેના કારણે મને ડાયાલિસીસ મશીનથી મુક્ત થવાની અને મારી જિંદગી ફરીથી જીવવાની એક અમૂલ્ય તક મળી."

જોકે ૨૭૧ દિવસ સુધી યોગ્ય રીતે કાર્ય કર્યા બાદ ઓક્ટોબરમાં આ કિડનીએ કામ કરવાનું બંધ કરી દેતા તેને ઓપરેશન કરીને બહાર કાઢી લેવામાં આવી હતી અને દર્દીને ફરીથી ૮૨ દિવસ સુધી ડાયાલિસીસ પર રાખવામાં આવ્યા હતા. માસ જનરલ બ્રિઘમના ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના ડૉ. લિયોનાર્ડો રિએલાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, "અમે અંગોની અછતના ભારે સંકટનો સામનો કરી રહ્યા છીએ, અને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન એવા દર્દીઓ માટે એક મોટો વિકલ્પ બની શકે છે જેમને તાત્કાલિક માનવ દાતા મળતા નથી."

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વભરમાં લાખો દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતીક્ષા યાદીમાં છે ત્યારે આ સંશોધન ભવિષ્યમાં માનવ અંગની અછતને પહોંચી વળવા 'કામચલાઉ બ્રિજ' સમાન બની રહેશે. હાલમાં ટિમ ઍન્ડ્ર્યુઝને આ વર્ષે જાન્યુઆરીમાં એક માનવ દાતા પાસેથી કિડની મળી ગઈ છે જે સારી રીતે કામ કરી રહી છે, જ્યારે આગામી સમયમાં વૈજ્ઞાનિકો પ્રાણીઓના અંગોના કાયમી અને વધુ સુરક્ષિત પ્રત્યારોપણ માટે વધુ સઘન સંશોધનો અને ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરશે.

(1:25 PM IST)