તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
તેલ સંકટનો કાયમી અંત! ભારત વૈશ્વિક યુદ્ધની અસરોથી બચવા ઉર્જા ક્ષેત્રે 'મહા-અભિયાન' શરૂ કરશે
ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝની નાકાબંધીથી પાઠ ભણીને સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે ૨.૫ લાખ ચોરસ કિલોમીટરનો દરિયાઈ અને જમીની વિસ્તાર સ્થાનિક તથા વૈશ્વિક કંપનીઓની હરાજી માટે ખુલ્લો મૂકવાનો લીધો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવે વૈશ્વિક અર્થતંત્ર સહિત ભારત માટે પણ ખતરાની ઘંટડી વગાડી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીના કારણે તાજેતરમાં ભારતમાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલની અછતના અહેવાલો વહેતા થયા હતા, જેના લીધે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ હતી. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોના આશરે ૮૫ ટકા હિસ્સો વિદેશોમાંથી આયાત કરે છે, જેથી વૈશ્વિક બજારમાં નાની અમથી હલચલ પણ દેશના ખિસ્સા અને સુરક્ષા પર સીધો પ્રહાર કરે છે. આ ગંભીર પરિસ્થિતિને પારખીને કેન્દ્ર સરકારે હવે બીજા દેશો પર નિર્ભર રહેવાના બદલે ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ 'આત્મનિર્ભર' બનવા માટે કમર કસી લીધી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં અંદાજે ૨,૫૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો અણખેડાયેલો (હજુ સુધી શોધાયો ન હોય તેવો) વિસ્તાર હાઇડ્રોકાર્બન સંશોધન માટે ખુલ્લો મૂકવા જઈ રહી છે. આ વિશાળ જમીની અને દરિયાઈ વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સ્તરે હરાજી કરવામાં આવશે, જેથી સ્થાનિક અને વિદેશી દિગ્ગજ કંપનીઓ અદ્યતન ટેકનોલોજી સાથે તેલ અને ગેસના ભંડાર શોધી શકે. ખાસ કરીને આંદામાન અને નિકોબાર બેસિનને આ અભિયાનમાં મોટું કેન્દ્રબિંદુ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેની ભૂસ્તરશાસ્ત્રીય રચના દક્ષિણ-પૂર્વ એશિયાના એ દેશો જેવી જ છે જ્યાં અગાઉ તેલનો વિપુલ જથ્થો મળી આવ્યો છે.
ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, જ્યાં શહેરીકરણ અને ઉદ્યોગોના કારણે ઉર્જાનો વપરાશ વૈશ્વિક સરેરાશ કરતાં ત્રણ ગણી ઝડપે વધી રહ્યો છે. ઊંડા સમુદ્રમાંથી તેલ કાઢવું એ ભારે ટેકનોલોજી અને અબજોના રોકાણનો ખેલ હોવાથી સરકાર ગ્લોબલ એનર્જી પ્લેયર્સને આકર્ષવા માટે રોડમેપ તૈયાર કરી ચૂકી છે. આ દીર્ઘકાલીન વ્યુહરચના જો સફળ રહેશે તો આગામી વર્ષોમાં ભારતનું આયાત બિલ અડધું થઈ જશે, વિદેશી હૂંડિયામણની અબજો ડોલરની બચત થશે અને ભવિષ્યમાં દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે તો પણ ભારતની ઉર્જા સુરક્ષા અડીખમ રહેશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
