News of Thursday, 3rd September 2026
ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રે સુરક્ષાની નવી ક્રાંતિ: ઓક્ટોબર 2027થી લાગુ થશે 'Bharat NCAP 2.0', કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મહત્વની જાહેરાત
અકસ્માતમાં થતાં મૃત્યુ દરને ઘટાડવા માટે સરકારનો માસ્ટરપ્લાન: વિદેશો કરતાં ૭૫% ઓછા ખર્ચે થશે ભારતીય કારોનું વર્લ્ડ ક્લાસ સેફ્ટી ટેસ્ટિંગ

નવી દિલ્હી : ભારતમાં વાહનોની સુરક્ષા અને માર્ગ સલામતીને એક આધુનિક ઊંચાઈ પર લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે દેશમાં ઓક્ટોબર 2027થી 'ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ' (Bharat NCAP) 2.0 નો પ્રારંભ કરવામાં આવશે. આ નવા તબક્કા હેઠળ ભારતીય રસ્તાઓ પર દોડતી કારોના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ અને ક્રેશ ટેસ્ટના નિયમોને વધુ કડક અને અદ્યતન બનાવવામાં આવશે.
દર વર્ષે ૧.૮૦ લાખ માર્ગ અકસ્માત મૃત્યુ પર ચિંતા
કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આંકડા આપતાં જણાવ્યું હતું કે દર વર્ષે દેશમાં માર્ગ અકસ્માતોમાં અંદાજે ૧.૮૦ લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે, જેમાંથી સૌથી વધુ ભોગ બનનાર ૧૮ થી ૩૬ વર્ષની વયના યુવાનો હોય છે. આ કરુણ વાસ્તવિકતાને બદલવા માટે વાહનોની અંદરની તેમજ બહારની સુરક્ષા ટેકનોલોજીને મજબૂત બનાવવી એ જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સામે ભારતનો દબદબો: ખર્ચમાં ભારી બચત
ભારત NCAP ટેસ્ટિંગના ખર્ચ અંગે મહત્વની માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે એક કારનું સેફ્ટી ટેસ્ટિંગ થાય છે ત્યારે અંદાજે ₹૨.૫ કરોડનો મોટો ખર્ચ આવે છે. તેની સામે ભારત NCAP હેઠળ અત્યંત પારદર્શક રીતે માત્ર ₹૬૦ લાખના ખર્ચે આ જ કક્ષાનું ટેસ્ટિંગ શક્ય બન્યું છે. અત્યાર સુધી દેશમાં ૩૦થી વધુ લોકપ્રિય વાહનોનું સેફ્ટી રેટિંગ સફળતાપૂર્વક ટેસ્ટ થઈ ચૂક્યું છે.
બદલાશે સેફ્ટી પ્રોટોકોલ: 'Bharat NCAP 2.0' ની ખાસિયતો
ઓક્ટોબર 2027થી અમલમાં આવનારા 'Bharat NCAP 2.0' માં માત્ર કારની અંદર બેઠેલા મુસાફરો જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા (Pedestrian Safety) અને અકસ્માત થતાં પહેલાં જ તેને રોકી લેતી આધુનિક એડવાન્સ્ડ ટેકનોલોજી (ADAS વગેરે) પર ભાર મુકાશે. આ ટેકનોલોજીમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા દેશી ઈનોવેશનને પણ સામેલ કરવામાં આવશે. ઓટો મેન્યુફેક્ચરર્સને આ માટેની જરૂરી માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
