News of Saturday, 12th September 2026
સેનાના ઈતિહાસમાં નવી ક્ષણ: મેજર નવ્યા શેખાવત બન્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રથમ મહિલા આર્મી એડીસી
રાજસ્થાનના સીકર જિલ્લાના નાનકડા ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની પ્રેરણાદાયી સફર: યુપીએસસીની સીડીએસ પરીક્ષા પાસ કરીને આર્મી સર્વિસ કોર્પ્સમાં જોડાયેલા મહિલા અફસરે રચ્યો નવો ઈતિહાસ

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા વધુ મજબૂત બની રહી છે, ત્યારે ભારતીય ભૂમિસેના (ઇન્ડિયન આર્મી)ના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના કેરપુરા ગામના વતની મેજર નવ્યા શેખાવતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના 'એડે-ડી-કેમ્પ' (ADC - Aide-de-Camp) તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ તેઓ ભારતીય સેનાના પ્રથમ મહિલા અફસર બન્યા છે જેમને દેશના સર્વોચ્ચ બંધારણીય વડાના ADC તરીકે સેવા આપવાનો વિશેષ અવસર પ્રાપ્ત થયો છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ (CDS) પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ, નવ્યા શેખાવતે ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) ખાતે કઠોર લશ્કરી તાલીમ પૂર્ણ કરી હતી. વર્ષ ૨૦૨૧માં તેઓ ઇન્ડિયન આર્મીના 'આર્મી સર્વિસ કોર્પ્સ' (ASC) વિભિન્ન લોજિસ્ટિક્સ અને સપ્લાય ક્ષેત્રે કમિશન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા. પોતાની નિષ્ઠા અને શ્રેષ્ઠ કામગીરીના બળે અંદાજે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ તેમણે મેજરની રેંક હાસિલ કરી હતી.
રાષ્ટ્રપતિના ADC તરીકેની આ પોસ્ટ માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીભરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થતા સત્તાવાર કાર્યક્રમો, રાજદ્વારી મુલાકાતો અને રાષ્ટ્રીય સમારોહ દરમિયાન એડીસી પ્રોટોકોલ જાળવવા અને સંકલન સાધવાનું કાર્ય કરે છે. રાષ્ટ્રપતિની ટીમમાં સામાન્ય રીતે પાંચ એડીસી હોય છે, જેમાં ત્રણ લશ્કર (આર્મી)માંથી અને એક-એક નૌકાદળ (નેવી) તથા વાયુસેના (એરફોર્સ)માંથી પસંદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓલ-ઓવર ત્રણેય સેનાઓની વાત કરીએ તો મેજર નવ્યા શેખાવત રાષ્ટ્રપતિના એડીસી બનનારા દેશના બીજા મહિલા લશ્કરી અફસર છે. આ અગાઉ વર્ષ ૨૦૨૫માં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી રાષ્ટ્રપતિ ભવનમાં એડીસી તરીકે નિયુક્ત થનારા પ્રથમ મહિલા અફસર બન્યા હતા. મેજર નવ્યાની આ નિયુક્તિ ભારતીય સેનામાં મહિલાઓને સમાન તકો આપવાની દિશામાં વધુ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
