<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ભારત-વેનેઝુએલા વચ્ચે અતૂટ મિત્રતાની નવી મિસાલ: વિનાશક હોનારત વચ્ચે પીએમ મોદીના સહયોગ બદલ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે માન્યો આભાર; કહ્યું- ‘મુશ્કેલ સમયમાં ભારત હંમેશા સાચો સાથી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવેદનશીલ સોશિયલ મીડિયા પોસ્ટનો વેનેઝુએલાએ આપ્યો સત્તાવાર હૃદયસ્પર્શી જવાબ; આંતરરાષ્ટ્રીય મંચ પર સંકટના સમયે ભારતની ત્વરિત સહાયની ઈચ્છા અને એકતાની ભાવનાને બિરદાવી

કારાકાસ : વેનેઝુએલામાં આવેલા સદીના સૌથી ભયાનક ભૂકંપના કારણે સર્જાયેલી ભારે તબાહી વચ્ચે વૈશ્વિક સ્તરે માનવતા અને મિત્રતાનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે (Delcy Rodríguez) આ કપરા અને મુશ્કેલ સમયમાં ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરાયેલી અતૂટ એકતા તેમજ સહાનુભૂતિનો ખુલ્લા દિલથી સ્વીકાર કરીને ભારતનો વિશેષ આભાર માન્યો છે. તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આ આપત્તિના સમયે ભારત તરફથી મળેલો સાથ બંને દેશોના લોકો વચ્ચેના વર્ષો જૂના ગાઢ સંબંધો અને સહકારની સાચી ભાવનાને દર્શાવે છે.

પીએમ મોદીના નિવેદનનું ભવ્ય સ્વાગત

કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે, જેમાં પીએમ મોદીએ ભૂકંપના ગંભીર પરિણામોનો સામનો કરી રહેલા વેનેઝુએલાના પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ભારત તરફથી તમામ પ્રકારના રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવાની તત્પરતા બતાવી હતી. વડાપ્રધાન મોદીની આ સંવેદનશીલ સોશિયલ મીડિયા પોસ્ટને ટાંકીને (Quote કરીને) રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝે આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળી રહેલા વૈશ્વિક સમર્થનને બિરદાવ્યું હતું અને ખાસ કરીને ભારત તરફથી મળેલી ત્વરિત સહાયની સંવેદના માટે પોતાની ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

મુશ્કેલીમાં ભારત બન્યું સંકટમોચક

ભૂકંપના કારણે વેનેઝુએલામાં કટોકટી જાહેર કરવામાં આવી છે અને હજુ પણ કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે, ત્યારે ભારતે હંમેશાની જેમ એક સાચા વૈશ્વિક મિત્ર (વસુધૈવ કુટુંબકમ) ની ભૂમિકા ભજવી છે. વેનેઝુએલાની સરકારે સ્વીકાર્યું છે કે જ્યારે આખો દેશ આઘાતમાં છે, ત્યારે ભારત જેવી વૈશ્વિક મહાસત્તાનું તેમની સાથે મજબૂતીથી ઉભા રહેવું એ તેમના નાગરિકો માટે આ કપરા સમયમાં મોટી હિંમત પૂરી પાડે છે.

(8:49 PM IST)