તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
બલ્ગેરિયામાં નવા યુગનો પ્રારંભ: પૂર્વ રાષ્ટ્રપતિ અને ફાઈટર પાયલોટ રૂમેન રાદેવ બન્યા દેશના નવા વડાપ્રધાન
રાજકીય અસ્થિરતાનો અંત લાવવા સંસદે રાદેવના નામ પર મારી મહોર: ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના સંકલ્પ સાથે સત્તાના સુકાન સંભાળશે 62 વર્ષીય દિગ્ગજ નેતા

સોફિયા: યુરોપિયન યુનિયનના સભ્ય દેશ બલ્ગેરિયામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો આખરે અંત આવ્યો છે. બલ્ગેરિયાની સંસદે આજે ઔપચારિક રીતે પૂર્વ રાષ્ટ્રપતિ રૂમેન રાદેવને દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. સંસદમાં થયેલા મતદાનમાં રાદેવના પક્ષમાં ૧૨૪ મતો પડ્યા હતા, જ્યારે ૭૦ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું અને ૩૬ સભ્યો ગેરહાજર રહ્યા હતા.
૬૨ વર્ષીય રૂમેન રાદેવનો રાજકીય પ્રવાસ અત્યંત રસપ્રદ રહ્યો છે. તેઓ અગાઉ બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચુક્યા છે, જે પદ મુખ્યત્વે ઔપચારિક હોય છે. જોકે, દેશના શક્તિશાળી વડાપ્રધાન પદના સુકાન સંભાળવા માટે તેમણે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. બલ્ગેરિયાની અગાઉની રૂઢિચુસ્ત સરકાર ગત ડિસેમ્બરમાં મોટા પાયે થયેલા ભ્રષ્ટાચાર વિરોધી દેખાવોને કારણે પડી ભાંગી હતી, ત્યારબાદ દેશમાં નેતૃત્વનું સંકટ ઊભું થયું હતું.
રાદેવ માત્ર એક રાજકારણી જ નથી, પરંતુ તેઓ ભૂતપૂર્વ ફાઈટર પાયલોટ અને બલ્ગેરિયન એરફોર્સના કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમણે ૨૦૦૩માં યુએસ એર વોર કોલેજમાંથી સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે દેશમાંથી ભ્રષ્ટાચાર અને ઓલિગાર્કિક (મૂઠીભર ધનિકોનું શાસન) મોડલને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું.
જોકે, રાદેવના રશિયા તરફી વલણને કારણે યુરોપિયન યુનિયનના કેટલાક દેશોમાં ચિંતા પણ સેવાઈ રહી છે. વિશ્લેષકો માની રહ્યા છે કે રાદેવનું આગમન બલ્ગેરિયાની વિદેશ નીતિ અને યુરોપિયન રાજકારણમાં મહત્વના ફેરફારો લાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાદેવ આર્થિક વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના પોતાના વચનોમાં કેટલા સફળ થાય છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
