તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના પ્રભાવનો નવો અધ્યાય: ત્રણ દેશોના હાઈ-પ્રોફાઇલ પ્રવાસના પ્રથમ તબક્કામાં જકાર્તા પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પ્રબોવોએ પ્રોટોકોલ તોડી કર્યું ભવ્ય સ્વાગત
૪૦ વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત સહિત ઓસ્ટ્રેલિયા સાથે વાર્ષિક સમિટ અને સાંસ્કૃતિક સેતુને મજબૂત કરવા વડાપ્રધાનનો વ્યૂહાત્મક પ્રવાસ

જકાર્તા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય ઇન્ડો-પેસિફિક પ્રવાસના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ખાતે પહોંચી ગયા છે. પીએમ મોદીના આગમન સાથે જ જકાર્તા એરપોર્ટ પર રાજદ્વારી ગરિમાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ તમામ નિર્ધારિત પ્રોટોકોલ બાજુ પર મૂકીને વ્યક્તિગત રીતે એરપોર્ટ પર હાજર રહી પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટથી લઈને હોટેલ સુધીના માર્ગો પર સ્થાનિક ઇન્ડોનેશિયન સમુદાય અને ત્યાં વસતા ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) દ્વારા વડાપ્રધાનનું અભૂતપૂર્વ અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગત સમારોહમાં બંને દેશોની વિરાસતને દર્શાવતા પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત છે, પરંતુ વર્ષ ૨૦૧૮માં ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ના સર્વોચ્ચ સ્તરે લઈ ગયા પછીની આ તેમની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હોવાથી તેનું રાજદ્વારી મહત્વ ઘણું વધારે છે.
મુલાકાતના મુખ્ય એજન્ડા અંતર્ગત પીએમ મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને સંરક્ષણ, વેપાર સહિતની ભાગીદારીમાં થયેલી પ્રગતિની વ્યાપક સમીક્ષા કરશે. આ સિવાય, તેઓ ઇન્ડોનેશિયાના અત્યંત પ્રખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર 'યોગ્યાકાર્તા'ની પણ મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ જગવિખ્યાત પ્રમ્બાનન મંદિર સંકુલની મુલાકાત લેશે. આ ઐતિહાસિક મંદિરના સંરક્ષણ કાર્યમાં ભારત અને ઇન્ડોનેશિયા પરસ્પર સહયોગ કરી રહ્યા છે. આ સાથે જ, જકાર્તામાં પીએમ મોદી ભારતીય સમુદાયના એક વિશાળ મેદનીને પણ સંબોધિત કરશે.
પ્રવાસનો બીજો તબક્કો: ઓસ્ટ્રેલિયા સાથે વાર્ષિક સમિટ ઇન્ડોનેશિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, પીએમ મોદી પ્રવાસના બીજા ચરણમાં ચાલુ મહિનાની ૮ થી ૧૦ તારીખ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પહોંચશે. ત્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે 'ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટ'માં ભાગ લેશે. બંને દેશોના નેતાઓ વચ્ચે ડિજિટલ યુગના ઉભરતા ક્ષેત્રો જેવા કે મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals), સાયબર સુરક્ષા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને અદ્યતન ટેકનોલોજી પર ગહન ચર્ચા થશે. પીએમ મોદી ત્યાં 'ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ'માં ટોચના બિઝનેસ લીડર્સને સંબોધન કરવા ઉપરાંત ભારતીય ડાયસ્પોરાના એક ભવ્ય કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
ત્રીજો તબક્કો: ૪૦ વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં વડાપ્રધાન મોદી ૧૦ થી ૧૧ જુલાઈ દરમિયાન ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે, જે છેલ્લા ૪૦ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની પ્રથમ મુલાકાત હોવાથી ઇતિહાસ રચશે. પીએમ મોદી ન્યુઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી વેપાર, વાણિજ્ય અને સંરક્ષણ ક્ષેત્રે છેલ્લા બે વર્ષમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ અગ્રણી વ્યવસાયિક પ્રતિભાઓ, રમતગમતની હસ્તીઓ અને ત્યાં વસતા મજબૂત ભારતીય સમુદાય સાથે પણ સીધો સંવાદ સાધશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
