તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
ભારત-ન્યુઝીલેન્ડ દોસ્તીનો નવો અધ્યાયઃ ભારતીયો માટે વિઝાનો પટારો ખૂલશે!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઐતિહાસિક ટ્રેડ ડીલથી આગ્રાના ચામડા ઉદ્યોગને પાંખો મળશેઃ ૫,૦૦૦ ભારતીય યુવાનોને દર વર્ષે ન્યુઝીલેન્ડમાં કારકિર્દી બનાવવાની સોનેરી તક મળશે : નવી દિલ્હીના ભારત મંડપમમાં પિયુષ ગોયલ અને ટોડ મેકલે વચ્ચે કરારઃ આગામી ૧૫ વર્ષમાં ભારતને મળશે ૨૦ બિલિયન ડોલરનું જંગી રોકાણઃ કિવી અને વાઇન થશે સસ્તા

નવી દિલ્હી, તા.૨૭: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં આજે એક એવી સુપરફાસ્ટ ડિલ થવા જઈ રહી છે જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેકલે વચ્ચે થનારા આ કરાર માત્ર નવ મહિનાની ટૂંકી વાટાઘાટોનું પરિણામ છે. આ કરાર મુજબ, ભારતની ૮,૦૦૦ થી વધુ પ્રોડક્ટ્સ ન્યુઝીલેન્ડના બજારમાં કોઈપણ કરવેરા વગર વેચાશે. ખાસ કરીને આગ્રાના ચામડાના બૂટ અને યુપીના હેન્ડલૂમ ઉત્પાદનો હવે ન્યુઝીલેન્ડના શોરૂમ્સની શોભા વધારશે, જેનાથી ૨૦૩૦ સુધીમાં ૫૦ બિલિયનના નિકાસનું લક્ષ્ય હાંસલ કરવામાં મોટી મદદ મળશે.
ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે હવે ન્યુઝીલેન્ડના બગીચા સીધા તમારા રસોડા સુધી પહોંચશે. કિવિ, એવોકાડો, બ્લુબેરી અને પ્રીમિયમ વાઇન જેવી ચીજો પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો થતાં, તે મધ્યમ વર્ગ માટે પોષણક્ષમ બનશે. જોકે, ભારતે પોતાના ખેડૂતોનું હિત સર્વોપરી રાખ્યું છે; એટલે જ દૂધ, પનીર અને માખણ જેવા ડેરી ઉત્પાદનોને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે જેથી સ્થાનિક પશુપાલકોને કોઈ નુકસાન ન થાય. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડના નિષ્ણાતો ભારતીય ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ પણ આપશે, જે સફરજન અને કિવિના ઉત્પાદનમાં ક્રાંતિ લાવી શકે છે.
યુવાનો માટે આ કરાર વિદેશ જવાનું સપનું પૂરું કરનારું સાબિત થશે. કરાર હેઠળ દર વર્ષે ૫,૦૦૦ ભારતીય વ્યાવસાયિકો માટે ખાસ વિઝા ક્વોટા નક્કી કરાયો છે, જેમાં IT એક્સપર્ટ્સ, ટીચર્સ અને હેલ્થકેર વર્કર્સને પ્રાધાન્ય મળશે. એટલું જ નહીં, આગામી ૧૫ વર્ષોમાં ન્યુઝીલેન્ડ ભારતમાં ૨૦ બિલિયન (અંદાજે રૂ.૧.૬ લાખ કરોડ) નું જંગી રોકાણ કરશે. આ રોકાણથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે લાખો નવી નોકરીઓનું સર્જન થશે. આ કરાર માત્ર વેપાર નથી, પણ બે દેશો વચ્ચેની અતૂટ મિત્રતા અને આર્થિક સમળદ્ધિનો મજબૂત સેતુ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
