તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 2nd September 2026
ઉત્તર પ્રદેશના બલિયામાં મધર ઈન્ડિયા જેવો કિસ્સો: જમીન હડપવા ૩૫ લાખની માંગણી કરતા પુત્ર સામે માતાએ નોંધાવી એફઆઈઆર
અગાઉ માંગણીઓ સંતોષવા બે વાર મોબાઈલ ટાવર પર ચડી ચૂકેલા પુત્ર ધનજી વર્માની કરતૂતોથી કંટાળી પરિવાર પોલીસના શરણે; મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

બલિયા, તા.૦૨: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બાંસડીહ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક અને લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માતાએ પોતાના જ પુત્રની જુલમી કરતૂતો સામે 'મધર ઈન્ડિયા' બનીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના ફતેહ સાગર પોખરા વિસ્તારમાં રહેતાં કુલવંતી દેવીએ તેમના મોટા પુત્ર ધનજી વર્મા સામે પરિવારને હેરાન કરવાનો, ખેતીની જમીન વેચવા માટે દબાણ કરવાનો અને ₹૩૫ લાખની માંગણી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પીડિત માતાના જણાવ્યા મુજબ, તેમનો પરિવાર ખેતીકામ અને પતિ દ્વારા શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. પરિવાર પાસે રહેલું ૧૮ કઠાનું ખેતર જ તેમની આજીવિકાનો મુખ્ય સ્રોત છે. આરોપ છે કે ધનજી વર્મા છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા અને પરિવારને સતત હેરાન કરી રહ્યો છે. તેણે ખેતરમાં વાવેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે અને પૈસા ન આપવા પર માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
બે વાર ટાવર પર ચડી નાટક કરી ચૂક્યો છે પુત્ર
આ કેસનો આરોપી ધનજી વર્મા અગાઉ પણ પોતાની વિચિત્ર હરકતો માટે ચર્ચામાં રહ્યો છે. પોતાની માંગણીઓ સંતોષવા અને પ્રશાસન પર દબાણ લાવવા માટે તે ભૂતકાળમાં બે વાર મોબાઈલ ટાવર પર ચડી ચૂક્યો છે. તેણે તેના માતા-પિતા, પત્ની અને અન્ય સંબંધીઓ સામે પણ સામો કેસ દાખલ કરી દાવો કર્યો હતો કે પરિવારે તેની વર્ષોની કમાણી હડપ કરી લીધી છે.
ઈન્સ્પેક્ટર રાકેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે માતાની લેખિત ફરિયાદના આધારે ગુનો નોંધીને કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે. બંને પક્ષોના પુરાવા અને નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
