<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ઇકો ટૂરિઝમની આવક દોઢસો કરોડે પહોંચાડવા માસ્‍ટર પ્‍લાન ઘડાયો

ચિત્તા સફારી કેમ્‍પ, વ્‍હેલ શાર્ક-ડાઈવ, બન્નીમાં નાઈટ સહાય કેમ્‍પ બનશે : કેરળ-કર્ણાટક-તામિલનાડુનું અનુકરણ ગીરમાં નવી પ્રિમિયમ લોજ સ્‍થપાશે

અમદાવાદ,તા.૧૭: રાજ્‍યના વન વિભાગે ૪૮ ઇકો ટૂરિઝમ સાઇટ્‍સના વિકાસ ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કરી વાર્ષિક આવક ૨૦૨૩-૨૪માં જે રૂ.૪૪.૬૬ કરોડ અને ૨૦૨૪-૨૫માં રૂ.૪૩.૩૪ કરોડ હતી તે ત્રણ ગણી વધારી રૂ.૧૫૦ કરોડ ઉપર પહોંચાડવાનો મહત્ત્વાકાંક્ષી માસ્‍ટર પ્‍લાન બનાવ્‍યો છે. તાજેતરમાં યોજાયેલી વનવિભાગની ચિતન શિબિરમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્‍યના વન વિભાગે આ સંદર્ભમાં કેરળ, તામિલનાડુ અને કર્ણાટકનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે, જયાં અનુક્રમે ૩૦૦ સાઇટ્‍સ ખાતે રૂ.૩,૬૦૦ કરોડની જંગી વાર્ષિક આવક, ૮૦ સાઇટ્‍સ ખાતે રૂ.૧,૨૦૦ કરોડની, અને ૩૫થી વધુ અસ્‍કયામતોમાં રૂ.૨૮૦ કરોડની વાર્ષિક આવક પ્રાપ્ત થાય છે.

રાજ્‍યમાં ઇકો ટૂરિઝમના વિકાસની વધુ શક્‍યતા ધરાવતા ઝોન અલગ તારવી કાઢવામાં આવ્‍યા છે, જેમાં ગીર સિહ ઝોન, ડાંગના આદિવાસી જંગલો, બન્નીના થાસિયા મેદાનોનો વિસ્‍તાર, કચ્‍છના અખાતમાં મરિન ઝોન અને વેળાવદરનો વિસ્‍તાર સમાવિષ્ટ છે.

નવીન પહેલોના સંદર્ભમાં કચ્‍છમાં બન્ની ખાતે ૬ ૬૦ હેક્‍ટર વિસ્‍તારમાં ચિત્તાના સંવર્ધન માટેનું વિશાળ એન્‍કલોઝર તૈયાર થઈ ચૂકયું છે. તેની નવી સફારી સર્કિટ ઉભી કરવાનું નક્કી થયું છે, જે ૨૦૨૭સુધીમાં તૈયાર કરાશે. દ્વારકાથી ઓખા વચ્‍ચેના વવ્‍હેલ શાર્કના વિસ્‍તારમાં ઇકો-ડાઇવ ટૂરિઝમ વિકસાવવામાં આવશે. તમિલનાડુ અને કેરળની માફક ડાંગના જંગલોમાં જુલાઈથી સપ્‍ટેમ્‍બરમાં ચોમાસા દરમિયાન સફરનું આયોજન થશે. તદુપરાંત કચ્‍છમાં બન્ની ખાતે નાઈટ સ્‍કાય કેમ્‍પનું પણ આયોજન ગોઠવાશે. રાજ્‍યના વન વિભાગે નવી ઇકો ટૂરિઝમ પોલિસી બનાવવાનું અને ગુજરાત રાજ્‍ય વન વિકાસ નિગમને નોડલ એજન્‍સી તરીકે નક્કી કરી તેની નિશ્રામાં નવી ઈકો ટૂરિઝમ વિગ, તમામ ૪૮ સાઈટ્‍સના બુકિગ માટે નવું પોર્ટલ, ગીર ખાતે પ્રીમિયમ લોજ સ્‍થાપવાનું તેમજ ૨૦૦ જેટલા સર્ટિફાઈડ તાલીમબદ્ધ ગાઇડ તૈયાર કરવાનું પણ નક્કી કર્યું છે.

૪ નવા તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન કેન્‍દ્રો ઊભા થશે

રાજ્‍યના વનવિભાગે રાજ્‍યના વન્‍ય જીવોમાં નવા ઉમેરાયેલા ખુંખાર પ્રાણી વાઘ અને નવા આવનારા ચિત્તાની જરૂરિયાતના સંદર્ભમા ચાર નવા તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન કેન્‍દ્રો ગીર પૂર્વ, શેત્રુંજી અભયારણ્‍ય-ભાવનગર, બનાસકાંઠા, બારિયા-મહિસાગર વનવિસ્‍તારમાં ઊભા કરવાનું નક્કી કર્યું છે. અત્‍યારે રાજ્‍યમાં ચિત્તળના ૯, સાબરના ૮, લાલ વનકૂકડાના ૭, ચિકારાના ૧, ભસતાં હરણના ૩ અને ચૌશિગાના ૩ સંવર્ધન કેન્‍દ્રો મોજૂદ છે.

ઇકો ટૂરિઝમ સાઈટ્‍સ ખાતે પ્રવાસીઓ

વર્ષ         પ્રવાસી

૨૦૨૨-૨૩  ૩૪.૬ લાખ

૨૦૨૩-૨૪  ૫૦.૦ લાખ

૨૦૨૪-૨૫  ૪૯.૬ લાખ

૨૦૨૫-૨૬     ૩૧.૧ લાખ

નોધઃ ૨૫-૨૬ના આકડા ડિસેમ્‍બર-૨૫ સુધીનાં

(10:09 AM IST)