તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ગ્રેટર નોઈડામાં પીએનબી બેન્કના ખાતાધારકો સાથે ૩૫ કરોડ રૂપિયાનું મહા કૌભાંડ : બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી રકમ ગાયબ થતાં ભારે હડકંપ
બેન્ક મેનેજર સહિત પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ : સેક્ટર પી-વન શાખામાં ખાતાધારકોના બેલેન્સ શૂન્ય થઈ જતાં પોલીસે બીટા-૨ પોલીસ સ્ટેશનમાં નોંધી એફઆઈઆર

લખનૌ -ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત એછર ગામમાં આવેલી પંજાબ નેશનલ બેન્ક (PNB) ની શાખામાં અંદાજે ૩૫ કરોડ રૂપિયાની ગેરરીતિ અને કૌભાંડનો ચોંકાવનારો મામેલો પ્રકાશમાં આવ્યો છે. બેન્કના અનેક ગ્રાહકોના બચત ખાતા (Savings Accounts) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતામાંથી કરોડો રૂપિયા અચાનક ગાયબ થઈ ગયા છે અને ખાતામાં બેલેન્સ શૂન્ય જોવા મળતા ગ્રાહકોમાં મોટો રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જે ગ્રાહકોના ખાતામાં ૩ થી ૪ લાખ રૂપિયા જમા હતા, તેમના ખાતામાં હવે માત્ર ૧૬,૦૦ રૂપિયા જ બચ્યા છે. આ ઉપરાંત જમીન સંપાદનના સરકારી વળતર પેટે મળેલા ૧ કરોડ ૨૯ હજાર રૂપિયા જેવી માતબર રકમ પણ ખાતામાંથી ગાયબ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૧૬ થી ૧૮ જેટલા પ્રભાવિત ગ્રાહકોએ બેન્ક પહોંચીને પોતાની આપવીતી રજૂ કરી છે અને પોલીસનો સંપર્ક સાધ્યો છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એછર ગામમાં રહેતા વિનીત ભાટી નામના ટ્રાન્સપોર્ટર સેક્ટર પી-વન સ્થિત પીએનબી શાખામાં ગયા હતા. તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે બેન્ક મેનેજરની સૂચના મુજબ ચેક અને દસ્તાવેજો પર સહી કરી હતી, પરંતુ રોકાણની રકમ તેમના ખાતામાં જમા થવાને બદલે અન્યત્ર મોકલી દેવાઈ હતી. વિનીત ભાટીએ આ અંગે બીટા-૨ પોલીસ સ્ટેશનમાં ૨૫ લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન અન્ય ગ્રાહકોએ પણ બેન્કમાં હોબાળો મચાવ્યો હતો. બ્રિજેશ નામના એક ગ્રાહકની માતાના નોઈડા એરપોર્ટ પ્રોજેક્ટના વળતરના ૧.૨૯ કરોડમાંથી માત્ર ૧૫ લાખ સિવાય બાકીના તમામ પૈસા શૂન્ય થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એક વયોવૃદ્ધ ગ્રાહકનું પણ ૧૭.૫ લાખ રૂપિયાનું બેલેન્સ શૂન્ય બતાવવામાં આવ્યું હતું, જેમને છેલ્લા બે વર્ષથી કોઈ વ્યવહાર કરવા દેવાયો ન હતો અને પાન કાર્ડ કે આધાર કેવાયસીના નામે ગેરમાર્ગે દોરવામાં આવતા હતા.
ગ્રાહકોની વ્યાપક ફરિયાદો અને હોબાળો મચ્યા બાદ પીએનબીની નોઈડા સેક્ટર-૧ સ્થિત ક્ષેત્રીય કચેરી દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. બેન્ક મેનેજર સહિત કુલ પાંચ કર્મચારીઓને લાપરવાહી અને અનિયમિતતા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. બેન્ક સત્તાવાળાઓ દ્વારા ગ્રાહકોને તેમની રકમ સુરક્ષિત પરત જમા થઈ જવાની ખાતરી આપવામાં આવી છે. જોકે આ રકમ ડિજિટલ હેઈસ્ટ દ્વારા ચોરાઈ છે કે બેન્ક સ્તરની કોઈ મોટી ગેરરીતિ છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ બાકી છે, પરંતુ એન્ટી કરપ્શન ટીમ અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
