News of Monday, 5th October 2026
રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના મુંબઈ સ્થિત સેટ પર ભીષણ આગ લાગી : અફરાતફરી
સ્ટુડિયો બહારના ટેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી :સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો: 4000 કરોડના બજેટવાળી આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે.

મુંબઈ : અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'ના સેટ પર આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, આ બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
FWICEના પ્રમુખ બીએન તિવારીના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોની બહાર લગાવવામાં આવેલા એક ટેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે આગને તરત જ કાબૂમાં લઈ લેવામાં આવતાં તે વધુ ફેલાઈ નહોતી અને સેટ પર હાજર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમણે અગાઉ પણ પ્રોડ્યુસર્સને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તાકીદ કરી હતી, જેથી આ ઘટનાને બેદરકારી સામે એક ચેતવણી ગણાવીને ભવિષ્યમાં પૂરતી સાવચેતી રાખવા સૂચન કર્યું છે.
હાલમાં ફિલ્મ 'રામાયણ'ના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે, જોકે આ આગ લાગી તે સમયે અભિનેતા રણબીર કપૂર કે ડિરેક્ટર ત્યાં હાજર હતા કે નહીં તેની કોઈ સ્પષ્ટ વિગત મળી નથી. અંદાજે 4000 કરોડના જંગી બજેટમાં બની રહેલી આ ફિલ્મ ભારતમાં 8 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે, જ્યારે વિશ્વભરમાં તેને 5 અને 6 નવેમ્બર દરમિયાન રજૂ કરવામાં આવશે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
