તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મધ્યરાત્રિએ એશિયન હોસ્પિટલમાં આકસ્મિક વિકરાળ આગ ભબકી ઉઠતા હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો
બાળ અતિદક્ષતા વિભાગ (NICU)માં સારવાર હેઠળ રહેલા 9 નવજાત શિશુઓ સહિત કુલ 58 દર્દીઓનું સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રેસ્ક્યુ કરાયું: મોટી દુર્ઘટના ટળી, 15થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી પાર પાડી

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી એશિયન હોસ્પિટલમાં શુક્રવારે મધ્યરાત્રિના આશરે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે અચાનક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના પ્રથમ માળે આવેલા નવજાત શિશુ ગહન ચિકિત્સા વિભાગ (NICU/PICU) નજીક શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ઘાટો ધુમાડો પ્રસરી જતાં દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભારે દહેશત સાથે અફરાતફરી મચી ગઈ હતી.
આગ લાગી તે સમયે હોસ્પિટલના સંબંધિત વિભાગમાં 9 નવજાત બાળકો સારવાર હેઠળ હતા, જ્યારે જનરલ અને સ્પેશિયલ વોર્ડ મળીને કુલ 58 દર્દીઓ દાખલ હતા. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ, સ્થાનિક સુરક્ષાકર્મીઓ અને તાત્કાલિક આવી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી. ધુમાડાથી ભરાયેલા વોર્ડમાંથી તમામ 9 નવજાત શિશુઓને કાચની કેબિનમાંથી અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢીને સહીસલામત ઉગારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વોર્ડમાં દાખલ તમામ 49 દર્દીઓને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેથી એક મોટો જીવલેણ અકસ્માત ટળ્યો છે.
બનાવની ગંભીરતા જોઈને ઘટનાસ્થળે 15થી 30 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોની ગાડીઓ ધસી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આશરે 15થી 20 મિનિટના ટૂંકા ગાળામાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. રેસ્ક્યુ કરાયેલા 9 નવજાત શિશુઓને વધુ સારવાર માટે તાત્કાલિક સરકારી ઘાટી હોસ્પિટલ, એમજીએમ હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. બાકીના દર્દીઓને પણ નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ મથકની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ હોસ્પિટલના સ્ટોરરૂમ અથવા એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ દર્દી કે સ્ટાફ સભ્યને ઈજા કે જાનહાની થઈ નથી. હાલમાં હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને ફાયર સેફ્ટી પ્રોટોકોલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
