<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ચાલુ બસે ભીષણ આગ ભડકી: ACમાં ખામી સર્જાતાં ખાનગી બસ બળીને ખાખ, મુસાફરોનો આબાદ બચાવ

ઉદયપુરથી પુણે જઈ રહેલી સ્લીપર કોચ બસમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતાં ડ્રાઈવરે બતાવી સમયસૂચકતા; સમયસર તમામ પ્રવાસીઓ નીચે ઊતરી જતાં મોટી હોનારત ટળી.

મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગુરુવારે સવારે એક અત્યંત ગંભીર અને રોમાંચક દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના ઉદયપુરથી પુણે જઈ રહેલી એક ખાનગી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લેતાં વાહન ભડકે બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, ચાલકની સમયસૂચકતા અને પ્રવાસીઓની સજાગતાના કારણે તમામ મુસાફરો સમયસર બસમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે સવારે આશરે ૭.૨૦ વાગ્યે પનવેલ નજીક આવેલા ખાલાપુર ટોલનાકા પાસે બની હતી. બસ એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. ખતરાની ગંધ આવતાં જ બસ રોકીને મુસાફરોને તાત્કાલિક નીચે ઊતરી જવા માટે સતર્ક કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓ સામાન મૂકીને નીચે ઊતર્યાની થોડી જ મિનિટોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આગના લપેટા રસ્તા સુધી ફેલાયેલા જોઈ શકાય છે.

 

બનાવની જાણ થતાં જ રસાયણી પોલીસ સ્ટેશનની ટીમ, પનવેલ મહાનગરપાલિકા અને ખોપોલી નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે પુણે તરફ જતા લેન પર થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ બાદમાં રસ્તો ક્લિયર કરીને ટ્રાફિક પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસની એર કન્ડિશનિંગ (AC) સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(7:27 PM IST)