News of Thursday, 15th October 2026
તહેવારો ઉપર અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાં ઓરોરા વિસ્તારના હિન્દુ પૂજાસ્થળે સામૂહિક ગોળીબારના ભયાનક કાવતરાનો પર્દાફાશ: ૧૯ વર્ષનો યુવક ઝડપાયો, ઘરમાંથી બંદૂક અને સેંકડો કારતૂસ જપ્ત; ભારતીયો પ્રત્યે દ્વેષનો આક્ષેપ

શિકાગો, તા. ૧૫: અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં ઓરોરા વિસ્તારના હિન્દુ પૂજાસ્થળને નિશાન બનાવી સામૂહિક ગોળીબારની મહા ભયંકર યોજના અંગે ૧૯ વર્ષના એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની ધરપકડ થઈ છે. પેલેટાઇનના રહેવાસી આરોપીને ૧૧ ઓક્ટોબરની સાંજે ઘરની બહાર નીકળતી વખતે ઝડપી લેવાયો હતો. તેની સામે આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદે હથિયાર રાખવાના આરોપ મૂકાયા છે.
આરોપીના સહકર્મચારીઓને મળેલા ચિંતાજનક સંદેશાઓથી તપાસ શરૂ થઈ હતી. તેણે ગોળીબારની યોજના દર્શાવતો દસ્તાવેજ અને હથિયાર તથા રક્ષણાત્મક સાધનોની તસવીરો મોકલ્યાનો આક્ષેપ છે. ઘરની તલાશીમાં એક બંદૂક, કારતૂસ ભરેલાં ખોખાં, સેંકડો વધારાનાં કારતૂસ અને શરીરનું રક્ષણ કરતું બખ્તર મળ્યાં હતાં. તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, તેના લખાણમાં વ્હાઇટ સુપ્રીમસી (શ્વેત સર્વોપરિતા)ના વિચારો તથા ભારતીય મૂળના લોકો સામે હિંસાના ઉલ્લેખ હતા.
સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, આરોપીએ સહકર્મચારીને પોતાની બંદૂક અટકી ગઈ હોવાનું કહ્યું હતું. જોકે, નિશાન બનાવવાના ચોક્કસ પૂજાસ્થળની સત્તાવાર પુષ્ટિ બાકી છે.
ઓરોરાનાં હિન્દુ પૂજાસ્થળોને સંભવિત જોખમથી માહિતગાર કરાયાં છે. અદાલતે આરોપીને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે; આગામી હાજરી ૩૦ ઓક્ટોબરે છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
