<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

પરિણીત પુત્રીને રહેમરાહે નોકરીથી વંચિત ન રખાય

લગ્ન પછી પુત્રી પરિવારથી અલગ થઈ જાતી હોવાની માન્‍યતાને બંધારણથી વિપરિત ગણાવી : સુપ્રીમ કોર્ટનો મહત્‍વપૂર્ણ ચુકાદો, અલ્‍હાબાદ હાઇકોર્ટનો આદેશને રદ કર્યો : સરકારની પરિવારની વ્‍યાખ્‍યામાંથી પરિણીત પુત્રીને બાકાત કરી શકાય નહીં

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્‍વપૂર્ણ ચુકાદામાં જણાવ્‍યું હતું કે રહેમરાહે મળતી નોકરીમાં પરિણીત પુત્રીઓને બાકાત રાખી શકાય નહીં અને 'પરિવાર'ની વ્‍યાખ્‍યામાં પરિણીત પુત્રીની બાદબાકી કરવાની બાબત મનસ્‍વી, ગેરવાજબી અને બંધારણની સમાનતાની ભાવના વિરુદ્ધ છે. અલ્‍હાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કરતાં જાસ્‍ટિસ પી એસ નરસિહા અને આલોક આરાપેની ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં. અલ્‍હાબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્‍યું હતું કે રહેમરાહે નોકરીના હેતુ માટે પરિવારની વ્‍યાખ્‍યામાં પરિણીત પુત્રીઓનો સમાવેશ થતો નથી.

સુપ્રીમ કોર્ટ એક પરિણીત મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. મહિલા રેશનિગની દુકાનના મૃતક ડીલરની પુત્રી હતી અને રહેમરાહે દુકાનનું સંચાલન સોંપવાની તેની માંગ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. મહિલાએ ૨૦૧૯ના એક સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરિણીત પુત્રીઓને 'પરિવાર'ની વ્‍યાખ્‍યામાંથી બહાર રાખવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આશ્રિત કોટા હેઠળ ફાળવણીનો હેતુ મૃતકના પરિવારને તાત્‍કાલિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે. તેથી પરિણીત પુત્રીને માત્ર વૈવાહિક સ્‍થિતિના આધારે બહાર રાખી શકાય નહીં. રહે રહેમરાહે નો નોકરીમાં આર્થિક જરૂરિયાત અને અરજદારની જવાબદારી નિભાવવાની ક્ષમતા જેવા મુદ્દા મહત્‍વના છે. વૈવાહિક સ્‍થિતિનો આ બાબતો સાથે કોઈ તર્કસંગત સંબંધ નથી. આ વિવાદાસ્‍પદ જોગવાઈ એ માન્‍યતા પર આધારિત છે કે લગ્ન પછી પુત્રી તેના માતા-પિતાના પરિવારની સભ્‍ય કે આશ્રિત રહેતી નથી. આવી ધારણા બંધારણની ભાવના વિરુદ્ધ છે.

ખંડપીઠે જણાવ્‍યું હતું કે લગ્નથી પુત્રી અને તેના માતા-પિતાના પરિવાર વચ્‍ચેનો સંબંધ સમાપ્ત થઈ જતો નથી. આજના સમાજમાં અનેક પરિણીત પુત્રીઓ પોતાના માતા-પિતાની સાથે રહે છે, તેમનો સહારો બને છે અથવા તેમની પર નિર્ભર પણ હોય છે. તેવી જ રીતે, એવા પુત્રો પણ હોઈ શકે છે, જેઓ પરિવારની વ્‍યાખ્‍યામાં સમાવિષ્ટ હોવા છતાં પરિવાર પર આધારિત નથી. આ યોજના હેઠળ પરિણીત પુત્રને 'પરિવાર'ની વ્‍યાખ્‍યામાંથી બહાર કરવામાં આવતો નથી, પરંતુ પુત્રીને માત્ર લગ્નના કારણે બહાર રાખવામાં આવે છે. આ ભેદભાવ એ જૂની માન્‍યતા પર આધારિત છે કે લગ્ન પછી પુત્રી બીજા પરિવારનો સભ્‍ય બની જાય છે અને પોતાના જન્‍મના પરિવાર સાથેના તમામ સંબંધો ગુમાવી દે છે. આવી ધારણા બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકાર સાથે અસંગત છે અને લિગ આધારિત અસમાનતાને પ્રોત્‍સાહન આપે છે.

 

 

(10:01 AM IST)