<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મહિલા માટે બુક કરી ખાસ પિંક બાઈક રાઈડ પણ પહોંચ્યો પુરુષ ડ્રાઈવર, સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો

મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષાના દાવા વચ્ચે રાઈડ-હેલિંગ એપ્લિકેશનની મોટી લાપરવાહી સામે આવી, જ્યાં સુરક્ષાના ડરથી રાઈડ રદ કરવા પર મહિલા પાસેથી કેન્સલેશન ફી વસૂલવામાં આવી

મુંબઈ : મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વિશેષ સેવાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં, એક યુવતીએ સુરક્ષિત મુસાફરી માટે 'માત્ર મહિલાઓ માટે' (ફીમેલ-ઓન્લી) બુક કરેલી વિશેષ પિંક બાઈક રાઈડ પર નિયમો વિરુદ્ધ એક પુરુષ ડ્રાઈવર પહોંચી જતા ભારે હડકંપ મચી ગયો છે.

 

ઘટનાની વિગતો મુજબ, શાલિની નામના મહિલા યુઝરે તાજેતરમાં એક અગ્રણી રાઈડ-હેલિંગ એપ્લિકેશન દ્વારા મહિલાઓ માટેની વિશેષ 'રેપિડો પિંક' બાઈક રાઈડ બુક કરી હતી. એપ્લિકેશનના બુકિંગ પેજ પર મહિલા કેપ્ટનનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો, જેથી યુવતી નિશ્ચિંત થઈ શકે. પરંતુ જ્યારે ડ્રાઈવરે ફોન કરીને સંપર્ક કર્યો અને સ્થળ પર પહોંચ્યો, ત્યારે ત્યાં એક પુરુષ ડ્રાઈવર હાજર હતો, જેને જોઈને યુવતી આઘાતમાં સરી પડી હતી.

 

જ્યારે યુવતીએ આ બાબતે વિરોધ નોંધાવ્યો, ત્યારે તે પુરુષ ડ્રાઈવરે અત્યંત અસંવેદનશીલ જવાબ આપતા કહ્યું કે તે ગે (સમલૈંગિક) છે, જેથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ પ્રકારના બિનજવાબદાર વર્વથી ડરી ગયેલી યુવતીએ તાત્કાલિક પોતાની સુરક્ષા ખાતર રાઈડ રદ કરી દીધી હતી. જોકે, સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે કંપની દ્વારા સુરક્ષા નિષ્ફળ જવા છતાં રાઈડ કેન્સલ કરવા બદલ યુવતી પાસેથી અન્યાયી રીતે કેન્સલેશન ફી વસૂલવામાં આવી હતી.

 

આ સમગ્ર કડવા અનુભવ બાદ ગુસ્સે ભરાયેલી મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે આકરી ટીકા કરતા જણાવ્યું કે, "આ દેશમાં મહિલાઓની સુરક્ષા માત્ર એક નફાકારક સોદો અને મજાક બનીને રહી ગઈ છે, જ્યાં પ્રીમિયમ કિંમત ચૂકવ્યા છતાં પણ સુરક્ષાની કોઈ ખાતરી આપવામાં આવતી નથી." તેમનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો અને હજારો યુઝર્સે કંપનીની સિસ્ટમ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યા પછી, સંબંધિત કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને માફી માંગી છે. કંપનીએ કબૂલાત કરી હતી કે 'બાઈક પિંક' રાઈડ્સ માત્ર મહિલા કેપ્ટનને જ ફાળવવામાં આવવી જોઈએ, અને આ રાઈડ ભૂલથી પુરુષ કેપ્ટનને કેવી રીતે ફાળવાઈ ગઈ તથા કેન્સલેશન ચાર્જ શા માટે લેવામાં આવ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

 

આ ઘટનાએ દેશભરમાં રાઈડ-હેલિંગ એપ્સની સુરક્ષા પ્રણાલી અને વેરિફિકેશન પ્રક્રિયા પર ફરીથી મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે. આગામી સમયમાં આવી એપ્લિકેશનો દ્વારા મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કડક નિયમો લાગુ કરવામાં નહીં આવે તો ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવવાનો વારો આવી શકે છે.

(7:03 PM IST)