તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
વૈશ્વિક રાજકારણમાં મોટો વળાંક: યુએસ સાથેના સંબંધો વણસવાની ભીતિ વચ્ચે ઇઝરાયલી પીએમ નેતન્યાહુએ ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર મૂક્યો ભાર
અમેરિકામાં ભવિષ્યમાં સત્તા પરિવર્તન અને પ્રતિકૂળ વહીવટનો સામનો કરવા ઇઝરાયલે ભારત અને લેટિન અમેરિકા જેવા સુપરપાવર દેશો સાથે નવું આંતરરાષ્ટ્રીય જોડાણ બનાવવું અનિવાર્ય: બેન્જામિન નેતન્યાહુ

તેલ અવીવ, તા.૧૯: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક અત્યંત ચોંકાવનારું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આગામી ૨૭ ઓક્ટોબરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલાં એક મહત્વના કાર્યક્રમને સંબોધતા નેતન્યાહુએ ખુલ્લેઆમ ભય વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને ત્યાં ઇઝરાયલ પ્રત્યે પ્રતિકૂળ વલણ ધરાવતો વહીવટ આવી શકે છે. આવી સ્થિતિમાં લશ્કરી સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને અસર ન પહોંચે તે માટે ઇઝરાયલે ભારત જેવા મહાસત્તા દેશો સાથે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવવા પડશે.
નેતન્યાહુએ દેશની રાજકીય અને લશ્કરી સ્થિતિ મજબૂત કરવા અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં યુએસમાં રાજકીય સ્થિતિ બદલાઈ શકે છે. જો ભવિષ્યમાં ઇઝરાયલ પ્રત્યે કઠોર વલણ ધરાવતા રાષ્ટ્રપતિ સત્તામાં આવશે, તો ઇઝરાયલે પોતાની સુરક્ષા અને વિદેશ નીતિ માટે અત્યારથી જ વિકલ્પો તૈયાર રાખવા પડશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણી પ્રચારમાં ઇઝરાયલને પૂર્ણ સમર્થન આપવાના નિવેદનના થોડા જ કલાકો બાદ નેતન્યાહુનું આ આત્મચિંતન કરતું નિવેદન સામે આવ્યું છે.
ઇઝરાયલી વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશે પોતાની આંતરરાષ્ટ્રીય સ્થિતિ મજબૂત કરવા માટે ટ્રમ્પના વર્તમાન કાર્યકાળનો મહત્તમ લાભ લેવો જોઈએ. પરંતુ માત્ર અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે વિશ્વના અન્ય શક્તિશાળી દેશો સાથે નવા વિકલ્પો શોધવા જોઈએ. તેમણે વિશેષરૂપે ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "ભારત કોઈ નાનો દેશ નથી, તે વિશ્વની એક મોટી મહાસત્તા છે." આ સિવાય તેમણે લેટિન અમેરિકા અને બ્રાઝિલનું ઉદાહરણ આપતાં કહ્યું કે ઇઝરાયલે તેના મિત્ર દેશોનું વર્તુળ વિસ્તારવું પડશે.
આ પહેલીવાર નથી જ્યારે નેતન્યાહુએ ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના ગાઢ અને અનોખા સંબંધોનો ઉલ્લેખ કર્યો હોય. આ અગાઉ મે મહિનામાં પણ તેમણે જાહેર કર્યું હતું કે ભારત જેવા વિશાળ દેશ સાથે ઇઝરાયલના સંબંધો ખૂબ જ અનોખા અને મજબૂત છે, તેમજ ભારતના લોકો ઇઝરાયલ પ્રત્યે ઊંડો પ્રેમ અને આદર ધરાવે છે.
રાજકીય વિશ્લેષકોના મતે, યુએસ ડેમોક્રેટિક પાર્ટી અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા તથા જો બિડેન સાથે નેતન્યાહુના સંબંધો ભૂતકાળમાં તણાવપૂર્ણ રહ્યા છે. જોકે, નેતન્યાહુ પોતાની આ છબીને એક એવા મજબૂત નેતા તરીકે રજૂ કરી રહ્યા છે જે દેશના હિત માટે અમેરિકી રાષ્ટ્રપતિઓ સામે પણ અડીખમ ઊભા રહી શકે છે. ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો છે.
વિશ્વભરમાં વધી રહેલા રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે ઇઝરાયલ હવે પોતાની વિદેશ નીતિમાં મોટો ફેરફાર કરીને ભારત જેવા વિશ્વાસપાત્ર અને આર્થિક તથા સૈન્ય રીતે સક્ષમ મિત્રો સાથે વધુ નજીક આવવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યું છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
