<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

શ્રાદ્ધ પક્ષ વચ્ચે ઝાંસીમાં સર્જાઈ મોટી હોનારત: પિંડદાન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યો સુખનઈ નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત!

સ્નાન અને પિંડદાન વિધિ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા પાંચેય લોકો: એક જ પરિવારના માળામાંથી પાંચ પાંદડા ખરી પડતા સમગ્ર ગામમાં છવાયો શોક અને માતમ

ઝાંસી : વર્તમાન સમયમાં પિતૃપક્ષ કે શ્રાદ્ધ ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. ઝાંસીના મઉરાનીપુર થાણા ક્ષેત્ર અંતર્ગત આવતા રાણીપુર વિસ્તારમાં સુખનઈ નદી કિનારે પિંડદાન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ લોકોના નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે.

 

પિંડદાન અને સ્નાન દરમિયાન સર્જાઈ ગયું મોતનું મોજું

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો પિંડદાન કરવા માટે સુખનઈ નદીના કિનારે પહોંચ્યા હતા. વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના કેટલાક સભ્યો નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક જ પાંચેય સભ્યો ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને કોઈ કઈ સમજે કે બચાવવા દોડે તે પહેલાં જ તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી નદી કિનારે ભારે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.

 

પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલાયા

 

ઘટનાની માહિતી મળતા જ એસડીએમ મનોજ કુમાર, સીઓ મઉરાનીપુર રત્નેશ્વર સિંહ અને પોલીસ કાફલો ભારે સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર અને બચાવ ટીમે ભારે જહેમત બાદ પાંચેય સભ્યોના શબને નદીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને પાંચેયના પ્રાણ પંખેરૂ उड़ ગયા હતા. આ મૃતકોમાં પિતા અને પુત્ર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પાંચેય મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના અચાનક મોતથી આખા ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ભારે હૃદયદ્રાવક બન્યું છે.

(7:23 PM IST)