News of Friday, 24th July 2026
રાહુલ ગાંધીના આક્રમક વલણ વચ્ચે કેન્દ્ર સરકાર માટે મોટી વ્યૂહાત્મક જીત: કોંગ્રેસ સાંસદ વિવેક તંખાની મધ્યસ્થીથી સોનમ વાંગચુકે ૨૬ દિવસ પછી ઉપવાસ તોડ્યા
મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં પારણાં: NEET મુદ્દે સંસદમાં ચર્ચા અને આંદોલનકારીઓ સામે કાનૂની કાર્યવાહી ન કરવાની સરકારની લેખિત ખાતરી

નવી દિલ્હી : સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રમક ઘેરાબંધી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રાજધાનીમાં એક મોટો રાજકીય અને સામાજિક ગતિરોધ ઉકેલાયો છે. જંતર-મંતર ખાતે છેલ્લા ૨૬ દિવસથી આમરણ અણશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. ખાસ વાત એ છે કે આ મડાગાંઠ ઉકેલવામાં કોંગ્રેસના જ રાજ્યસભા સાંસદ અને સીનિયર વકીલ વિવેક તંખાએ મુખ્ય મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી છે, જેને કેન્દ્ર સરકાર માટે એક મોટી વ્યૂહાત્મક વિજય તરીકે જોવામાં આવી રહી છે.
૩ દિવસની લાંબી વાટાઘાટો અને બગડતું સ્વાસ્થ્ય
૨૬ દિવસના લાંબા ઉપવાસના કારણે સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત લથડી રહ્યું હતું અને તેમનું વજન ૧૧ કિલોથી વધુ ઘટી ગયું હતું. વાંગચુકના બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સાંસદ વિવેક તંખાએ માનવતાવાદી ધોરણે પહેલ કરી સરકાર અને વાંગચુક વચ્ચે વાટાઘાટોનો માર્ગ મોકળો કર્યો હતો.
ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને PMO રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને લદ્દાખ સર્વોચ્ચ સંસ્થાના નેતાઓની હાજરીમાં વાંગચુક સાથે દીર્ઘ ચર્ચા કરી હતી.
સરકાર તરફથી મળી લેખિત ખાતરી
સોનમ વાંગચુકના આગ્રહ પર કેન્દ્ર સરકારે નીચે મુજબના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત ખાતરી આપી છે:
· આંદોલનકારીઓને રક્ષણ: જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કે બદલાલક્ષી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
· સંસદમાં ચર્ચા: NEET પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા અંગે આવનારી સંસદ સત્રમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે.
· પીડિતોને વળતર: NEET પેપર લીકની ઘટના બાદ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય આર્થિક વળતર આપવામાં આવશે.
· લદ્દાખના મુદ્દાઓ: લદ્દાખની પ્રાદેશિક અને સ્વાયત્તતા સંબંધિત માંગણીઓ ઉકેલવા માટે પણ ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે.
યુવાનોના ભવિષ્યને પ્રાથમિકતા
ઉપવાસ તોડ્યા બાદ સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષોના ૬૫ જેટલા સાંસદોએ પણ તેમને આંદોલન સમેટવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું કે તેઓ નથી ઈચ્છતા કે આ આંદોલનમાં જોડાયેલા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય કોઈ કાનૂની ચોપડે ખરાબ થાય. જોકે, બીજી તરફ આંદોલનકારી સંગઠનો હજુ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
