તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો એન્ટીએ ભરતી પરીક્ષામાં ગેરરીતિની આશંકા વચ્ચે દિલ્હી યુનિવર્સિટીને નિમણૂકો અટકાવવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો
અદાલતે સિંગલ બેંચના આદેશને રદ કરતા સ્પષ્ટ કર્યું કે જાહેર સંસ્થાઓમાં પસંદગી પ્રક્રિયાની વિશ્વસનીયતા સર્વોપરી છે અને મેરિટ લિસ્ટ પર શંકા હોય ત્યારે નિમણૂકો હોલ્ડ પર રાખી શકાય છે

દિલ્હી હાઈકોર્ટે તેના એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ જાહેર ભરતી પરીક્ષાની પવિત્રતા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થાય, તો યુનિવર્સિટીને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નિમણૂક પ્રક્રિયાને રોકવાનો પૂરેપૂરો અધિકાર છે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેંચે સિંગલ બેંચના તે આદેશને રદ કરી દીધો, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એન્ટીએ દ્વારા લેવાયેલી પરીક્ષાના આધારે પ્રયોગશાળા પરિચર અને પુસ્તકાલય પરિચરના પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા આગળ વધારવા માટે દિલ્હી યુનિવર્સિટીને નિર્દેશ આપવામાં આવ્યો હતો. અદાલતે પોતાના ચૂકાદામાં આ વાત પર ભાર મૂક્યો કે જ્યારે પરીક્ષાની અખંડિતતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે ત્યારે જાહેર હિત અને ન્યાયીપણું સૌથી ઉપર રહેવું જોઈએ.
આ સમગ્ર કાનૂની વિવાદના કેન્દ્રમાં દિલ્હી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયા હતી જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત પરીક્ષા પર આધારિત હતી. પરીક્ષાના પરિણામો બહાર આવ્યા બાદ જ્યારે મેરિટ લિસ્ટને લઈને શંકાઓ ઊભી થઈ અને કેટલાક પરીક્ષા કેન્દ્રો પર અસામાન્ય સ્થિતિ જોવા મળી, ત્યારે દિલ્હી યુનિવર્સિટીએ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વિવિધ સમિતિઓની રચના કરી હતી. આ સમિતિઓએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે કેટલાક નિર્દિષ્ટ પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોની સંખ્યામાં અસામાન્ય એકાગ્રતા જોવા મળી છે, નેગેટિવ માર્કિંગ હોવા છતાં અસાધારણ રીતે ઊંચા ગુણ આવ્યા છે, અને સૌથી મહત્વની વાત એ છે કે ઉમેદવારોના જવાબોની પદ્ધતિઓમાં તેમજ ખોટા જવાબોમાં પણ ખૂબ જ સમાનતા જોવા મળી છે.
આ અગાઉ મામલાની સુનાવણી કરતી વખતે સિંગલ બેંચે એવું અવલોકન કર્યું હતું કે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી આ તપાસ પાછળથી ઊભી કરવામાં આવેલી બાબત છે અથવા તો પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂક અટકાવવા માટેનું એક બહાનું છે. જો કે, ડિવિઝન બેંચે સિંગલ બેંચના આ મંતવ્ય સાથે અસહમતિ દર્શાવી હતી. બેંચે નોંધ્યું કે સમિતિએ માત્ર ઊંચા ગુણોના આધારે કોઈ પૂર્વગ્રહ રાખીને પગલું ભયૂં નહોતું, પરંતુ તેણે સંબંધિત કેન્દ્રોના સફળ ઉમેદવારોની ઉત્તરવહીઓ અને પ્રતિસાદ પદ્ધતિઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. અદાલતે જણાવ્યું કે જ્યારે ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે મેરિટ લિસ્ટ વાસ્તવિક ગુણવત્તા દર્શાવતું નથી, ત્યારે યુનિવર્સિટી માત્ર સક્ષમ જ નહીં પરંતુ પોતાની નૈતિક ફરજ તરીકે પણ નિમણૂક પ્રક્રિયા અટકાવવા માટે હકદાર છે.
જાહરે પરીક્ષાઓના મહત્વ વિશે વાત કરતા અદાલતે કડક વલણ અપનાવ્યું અને જણાવ્યું કે જાહેર સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી, પારદર્શક અને કોઈપણ શંકાથી પર હોવી જરૂરી છે. જાહેર પરીક્ષાઓ એ એવા માધ્યમો છે જેના દ્વારા સંસ્થાકીય પસંદગી, સમાન તક અને ગુણવત્તા આધારિત ભરતીમાં જનતાનો વિશ્વાસ અકબંધ રહે છે. જો કોઈપણ કૃત્ય પરીક્ષાની પવિત્રતાને જોખમમાં મૂકે, જેમ કે પેપર લીક થવું, અનધિકૃત સહાય મળવી, સિસ્ટમ સાથે છેડછાડ કરવી કે અન્ય કોઈ અનુચિત પદ્ધતિ અપનાવવી, તો તે સીધા જ પસંદગી પ્રક્રિયાના મૂળ પર પ્રહાર કરે છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ.
એન્ટીએ ની ભૂમિકા અને જવાબદારી પર ટિપ્પણી કરતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર ઔપચારિક રીતે પરિણામો જાહેર કરી દેવાથી તે એજન્સીની જવાબદારી પૂરી થઈ જતી નથી. એકવાર જ્યારે દિલ્હી યુનિવર્સિટીએ પરીક્ષાની અખંડિતતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી, ત્યારે એજન્સીની જવાબદારી હતી કે તે પરીક્ષા પ્રક્રિયા સંબંધિત તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા યુનિવર્સિટીને પૂરા પાડે. અદાલતે કહ્યું કે જ્યારે ભરતી કરતી સંસ્થાને પરીક્ષાની પવિત્રતા પર વાજબી શંકા હોય, ત્યારે પરીક્ષા લેનાર એજન્સી માત્ર એટલું કહીને છટકી શકે નહીં કે પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. તેણે સંપૂર્ણ અને ચકાસી શકાય તેવી સામગ્રી રજૂ કરવી પડશે જેથી યુનિવર્સિટી ન્યાયી ભરતી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે.
ઉમેદવારોના અધિકારો અને વ્યાપક જાહેર હિત વચ્ચેના સંતુલનને રેખાંકિત કરતા અદાલતે નોંધ્યું કે જાહેર રોજગારમાં પસંદ કરાયેલા ઉમેદવારોના વ્યક્તિગત અધિકારોનું મૂલ્યાંકન ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવાના વ્યાપક જાહેર હિત સામે કરવું અનિવાર્ય છે. ચૂકાદામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો કે યુનિવર્સિટીએ તેની મૂળ સૂચનામાં સ્પષ્ટપણે એ અધિકાર સુરક્ષિત રાખ્યો હતો કે જો પસંદગી પ્રક્રિયાના કોઈપણ તબક્કે, નિમણૂક પત્ર જારી થયા પછી પણ, કોઈ અનૈચ્છિક ભૂલ કે અનિયમિતતા જણાય, તો તે કોઈપણ સંચારને સંશોધિત કરવા, પાછો ખેંચવા કે રદ કરવાનો અધિકાર ધરાવે છે.
આ તમામ કાનૂની મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ડિવિઝન બેંચે અંતે એવો નિષ્કર્ષ કાઢ્યો કે દિલ્હી યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પ્રક્રિયાની કાયદેસરતા અને અખંડિતતાની ચકાસણી થાય ત્યાં સુધી નિમણૂક પત્રોને અટકાવી રાખવાનો નિર્ણય તદ્દન વાજબી હતો. નિમણૂકની ઓફર જારી થવાથી કોઈપણ પસંદ કરાયેલા ઉમેદવારની તરફેણમાં કોઈ નિરપેક્ષ અથવા કાયમી અધિકાર ઊભો થતો નથી. યુનિવર્સિટીની પવિત્રતા જાળવવાની ફરજ છે અને તેણે તે સુનિશ્ચિત કરવાનું છે કે નિમણૂકો માત્ર યોગ્ય ગુણવત્તાના આધારે થાય. આ સાથે હાઈકોર્ટે યુનિવર્સિટીના તે સૂચનાઓને માન્ય રાખી જેની હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોના કારભાર સંભાળવાની પ્રક્રિયાને સ્થગિત રાખવામાં આવી હતી, અને સિંગલ બેંચના તે આદેશને રદ કર્યો જેમાં દસ્તાવેજ ચકાસણી અને નિમણૂક આગળ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
