<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

દિલ્હીમાં વેપાર ક્ષેત્રે મોટો ઐતિહાસિક સુધારો: 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ ૨૦૨૬' ને કેબિનેટની મંજૂરી, હવે સિંગલ વિન્ડો સિસ્ટમથી મળશે તમામ પરવાનગીઓ

નવા વ્યવસાયોને નોંધણી પછી ૩ વર્ષ સુધી કોઈ નિરીક્ષણ નહીં; વીજળી, પાણી, ફાયર અને બિલ્ડિંગ પ્લાનની મંજૂરીઓ માટે હવે સરકારી કચેરીઓના ધક્કામાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં નવો વ્યવસાય શરૂ કરવો અને તેને ચલાવવો હવે અત્યંત સરળ, પારદર્શક અને ઓછો ખર્ચાળ બનશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 'દિલ્હી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ, ૨૦૨૬' ને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદો લાગુ થયા બાદ વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વિવિધ સરકારી વિભાગોની કચેરીઓના ધક્કા ખાવામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે. કેબિનેટની લીલી ઝંડી મળ્યા બાદ હવે આ મહત્વપૂર્ણ બિલને આખરી મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે.

 

નવી સિસ્ટમ હેઠળ વ્યવસાય સંબંધિત તમામ પરવાનગીઓ, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC), લાયસન્સ, બિલ્ડિંગ પ્લાન, ફાયર પરમિટ તેમજ વીજળી, પાણી અને ગટરના જોડાણો એક જ સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમગ્ર સિંગલ-વિન્ડો સિસ્ટમ માટે 'દિલ્હી સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન' (DSIIDC) ને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ ઉપરાંત, ઓછા જોખમવાળા વ્યવસાયો માટે માત્ર સ્વ-ઘોષણાપત્ર (સેલ્ફ-ડિકલેરેશન) ના આધારે તાત્કાલિક મંજૂરીઓ આપી દેવામાં આવશે.

 

ટ્રસ્ટ-આધારિત સિસ્ટમ અને વારંવારની નોંધણીમાંથી મુક્તિ

 

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી હતી કે આ બિલમાં વિશ્વાસ-આધારિત નિરીક્ષણ પ્રણાલી (Trust-based inspection) ની જોગવાઈ કરવામાં આવી છે, જેના હેઠળ નવી એન્ટરપ્રાઇઝની નોંધણી થયા પછી ત્રણ વર્ષ સુધી કોઈ નિયમિત સરકારી નિરીક્ષણ હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં, જો કોઈ વ્યવસાય GST, FSSAI, MSME અથવા લેબર કોડ હેઠળ અગાઉથી નોંધાયેલો હશે, તો તેને ટ્રેડ લાયસન્સ, હેલ્થ કેર કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ માટે અલગથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં.

 

નવા કાયદા હેઠળ સરકારી સત્તામંડળો માટે મંજૂરીઓ આપવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં અધિકારી નિર્ણય નહીં લે તો તેને 'ડીમ્ડ અપ્રૂવલ' ગણવામાં આવશે. સાથે જ, જો કોઈ દસ્તાવેજ દિલ્હી સરકારના કોઈ એક વિભાગ પાસે ઉપલબ્ધ હશે તો અરજદાર પાસે તે ફરીથી માંગવામાં આવશે નહીં, જેનાથી સમય અને કાગળકામ બંનેની બચત થશે.

 

(6:22 PM IST)