<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

દેશની સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનો મહાવિસ્ફોટ: CVCના વાર્ષિક રિપોર્ટમાં સનસનાટીભર્યો ખુલાસો, બેંકો અને રેલવે ટોપ પર!

એક જ વર્ષમાં ૭૦,૫૦૦થી વધુ ફરિયાદો નોંધાતાં ચકચાર: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને પેટ્રોલિયમ અને ગૃહ મંત્રાલય પણ ભ્રષ્ટાચારના દાયરામાં.

નવી દિલ્હી : દેશની વિવિધ સરકારી સંસ્થાઓ અને મંત્રાલયોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનો એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચારની ૭૦,૫૦૦ કરતાં પણ વધુ ગંભીર ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો દેશના સરકારી વહીવટમાં ચાલતી ગડબડો અને ભ્રષ્ટાચારની ઊંડી જડો તરફ ઈશારો કરે છે.

 

બેંકો અને રેલવે વિભાગ ભ્રષ્ટાચારના આંકડામાં મોખરે

CVC રિપોર્ટના આંકડા મુજબ સૌથી વધુ ફરિયાદો બેંકિંગ ક્ષેત્ર અને ભારતીય રેલવે સામે નોંધાઈ છે. સમગ્ર વર્ષ દરમિયાન:


 

  • બેંકિંગ ક્ષેત્ર: બેંકો સામે સૌથી વધુ ૯,૯૩૩ ફરિયાદો મળી હતી, જેમાંથી ૯,૫૨૦ નો નિકાલ કરાયો છે જ્યારે ૪૧૩ હજુ પણ પેન્ડિંગ છે.

 

  • રેલવે વિભાગ: રેલવે વિરુદ્ધ ૯,૩૮૧ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં ૮,૭૫૪ ઉકેલાઈ ગઈ છે અને ૬૨૭ તપાસ હેઠળ છે.

 

  • હાઉસિંગ અને સ્થાનિક સ્વરાજ્ય: હાઉસિંગ અને અર્બન અફેર્સ સામે ૬,૫૩૧ જ્યારે દિલ્હી જલ બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને DTC જેવી સ્થાનિક સંસ્થાઓ સામે ૪,૮૪૩ ફરિયાદો મળી હતી.

 

મંત્રાલયો અને અન્ય વિભાગોની સ્થિતિ પણ ચિંતાજનક

ભ્રષ્ટાચારની આ યાદી માત્ર બેંક કે રેલવે પૂરતી સીમિત નથી. કોલસા ક્ષેત્રના કર્મચારીઓ સામે ૪,૧૧૮, નાણાં મંત્રાલય સામે ૩,૧૦૭, પેટ્રોલિયમ મંત્રાલય સામે ૨,૭૨૨ અને રોડ ટ્રાન્સપોર્ટ-હાઇવે વિભાગ સામે ૨,૩૧૯ ફરિયાદો નોંધાઈ છે. આ સિવાય માનવ સંસાધન વિકાસ, શ્રમ મંત્રાલય, વીમા કંપનીઓ, સંરક્ષણ મંત્રાલય અને ટેલિકોમ વિભાગ પણ ભ્રષ્ટાચારના આરોપોથી બાકાત રહ્યા નથી.

 

નિકાલ અને પેન્ડન્સીનો હિસાબ

મુખ્ય વિજિલન્સ અધિકારીઓ (CVO) ને વર્ષ દરમિયાન મળેલી કુલ ૭૦,૫૮૪ ફરિયાદોમાંથી ૬૪,૯૦૫ નો નિકાલ કરવામાં સફળતા મળી છે. જોકે, વર્ષના અંત સુધીમાં ૫,૬૭૯ ફરિયાદો પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ રહી ગઈ હતી, જેમાંથી ૨,૦૦૨ ફરિયાદો તો ત્રણ મહિના કરતાં પણ વધુ સમયથી અટકેલી છે. નિયમ મુજબ CVO એ ત્રણ મહિનામાં તપાસ પૂરી કરવાની હોય છે, જેથી કમિશન હવે આ પેન્ડિંગ કેસોનો ઝડપી ઉકેલ લાવવા માટે સમીક્ષા વધારી રહ્યું છે.

(7:25 PM IST)