તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
જર્મનીના રાજકારણમાં મોટો ભૂકંપ: બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર જમણેરી પક્ષની ઐતિહાસિક જીત; સેક્સોની-અનહાલ્ટમાં AfDને મળ્યા ૪૩.૮% વોટ
ચાન્સેલર ફ્રેડરિક મર્જની પાર્ટી CDUનો ભયાનક પરાજય, સમર્થન ઘટીને અડધું થયું; સત્તાની ચાવી ધરાવતી AfD વગર સ્થિર સરકાર રચવી અશક્ય

બર્લિન, તા.૦૭: બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જર્મનીના પૂર્વીય રાજ્ય સેક્સોની-અનહાલ્ટની વિધાનસભા ચૂંટણીમાં કટ્ટર જમણેરી વિચારસરણી ધરાવતા પક્ષ 'અલ્ટરનેટિવ ફોર જર્મની' (AfD) એ અભૂતપૂર્વ જીત હાસિલ કરીને સમગ્ર યુરોપના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ ચૂંટણીમાં AfD ને ૪૩.૮% મત મળ્યા છે, જે પાંચ વર્ષ અગાઉના પ્રદર્શન કરતાં બમણા કરતાં પણ વધુ છે. ૮૩ સભ્યોની વિધાનસભામાં AfD ને ૩૯ બેઠકો મળી છે, જોકે સ્પષ્ટ બહુમતીથી તેઓ માત્ર ૩ સીટ પાછળ રહી ગયા છે.
આ ચૂંટણી પરિણામોએ છેલ્લા ૨૪ વર્ષથી સત્તા પર રહેલી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની સીડીયુ (CDU) પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. CDUનું સમર્થન ઘટીને અડધું થઈ ગયું છે અને તેમને માત્ર ૧૭.૨% વોટ તથા ૧૫ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય સોશિયલ ડેમોક્રેટ્સ, ગ્રીન્સ અને લેફ્ટ પાર્ટીને ૮-૮ બેઠકો જ્યારે BSWને ૫ બેઠકો મળી છે. રાજ્યમાં આ વખતે રેકોર્ડતોડ ૭૭.૮% મતદાન નોંધાયું હતું. ૩૫ વર્ષીય મુખ્યમંત્રી પદના દાવેદાર ઉલરિચ સીગમુંડ અને AfD ના નેતા એલિસ વીડેલે દાવો કર્યો છે કે જનતાએ તેમને સરકાર બનાવવાનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.
બીજી તરફ, CDUના મહાસચિવ ફ્રાંઝિસ્કા હોપરમેને સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી ક્યારેય AfD સાથે ગઠબંધન નહીં કરે, કારણ કે AfD ની નીતિઓ જમણેરી ઉગ્રવાદી છે અને તેના રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. જોકે, AfD વગર અન્ય તમામ પક્ષો માટે પણ મળીને સ્થિર સરકાર બનાવવી અત્યંત પડકારજનક બની રહેશે. જર્મનીની હોમ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા AfD ના સ્થાનિક સંગઠનને ઉગ્રવાદી માનવામાં આવે છે, પરંતુ પક્ષ આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યું છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
