તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
બ્રિટિશ રાજવી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત લેવાશે મોટો નિર્ણય : કિંગ ચાર્લ્સ પોતાની આવક અને ટેક્સની તમામ ગુપ્ત વિગતો જાહેર કરશે
રાજશાહીમાં પારદર્શિતા લાવવા માટે બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર જાહેરાત : શાહી પરિવારની ખાનગી સંપત્તિ અને કરવેરાની વિગતો સાર્વજનિક થતાં વૈશ્વિક સ્તરે ચર્ચા જાગી

લંડન:યુનાઇટેડ કિંગડમ (UK) ના બ્રિટિશ રાજવી પરિવારના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટનના વર્તમાન રાજા કિંગ ચાર્લ્સ આગામી સમયમાં પોતાની આવક અને ટેક્સ (કરવેરા) ને લગતી તમામ અંગત વિગતો પ્રથમ વખત સાર્વજનિક કરવા જઈ રહ્યા છે. બકિંગહામ પેલેસના સત્તાવાર પ્રવક્તા દ્વારા આ અંગેની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી છે. બ્રિટિશ શાહી પરિવારના કોઈ સભ્ય દ્વારા આ પ્રકારે પોતાની ખાનગી નાણાકીય બાબતો દેશની જનતા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવનાર હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના બનશે.
પેલેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કિંગ ચાર્લ્સ બ્રિટિશ રાજશાહી અને દેશના નાગરિકો વચ્ચે વધુ પારદર્શિતા તેમજ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા ઈચ્છે છે. આ આધુનિક યુગમાં રાજવી પરિવારે પણ સામાન્ય જનતાની જેમ જ જવાબદારી સ્વીકારવી જોઈએ તેવા વિચાર સાથે આ મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ અહેવાલ બહાર આવ્યા બાદ બ્રિટનના રાજકીય વર્તુળો તેમજ વૈશ્વિક મીડિયામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
કિંગ ચાર્લ્સની આ નવીનતમ પહેલ હેઠળ તેમના ખાનગી રોકાણો, ડચી ઓફ લેન્કેસ્ટર સ્ટેટમાંથી થતી વાર્ષિક આવક અને અન્ય વ્યાપારિક સ્ત્રોતોમાંથી મળતી રકમ પર તેઓ કેટલો ટેક્સ ચૂકવે છે તેની સચોટ વિગતો જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી બ્રિટિશ કાયદા અનુસાર રાજવી પરિવારના વડાની આવી ખાનગી નાણાકીય વિગતોને અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હતી અને તેના પર સામાન્ય પ્રજા કે મીડિયાને કોઈ પણ પ્રકારનો અધિકાર નહોતો.
બ્રિટનમાં છેલ્લા કેટલાક સમયથી શાહી પરિવારના ભરણપોષણ અને તેમના વૈભવી ઠાઠમાઠ પાછળ ખર્ચાતા જાહેર નાણાં (ટેક્સપેયર્સ મની) ને લઈને સોશિયલ મીડિયા અને સંસદમાં સમયાંતરે સવાલો ઉઠતા રહ્યા છે. પ્રજાના એક વર્ગનું માનવું છે કે આર્થિક કટોકટીના આ સમયમાં શાહી પરિવારે પણ પોતાના ખર્ચાઓ મર્યાદિત કરવા જોઈએ. આવા સમયમાં કિંગ ચાર્લ્સ દ્વારા લેવાયેલો આ પ્રગતિશીલ નિર્ણય શાહી વિરોધી સૂરને શાંત પાડવામાં ઘણો મદદરૂપ સાબિત થઈ શકે છે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આગામી દિવસોમાં બકિંગહામ પેલેસની સત્તાવાર વેબસાઇટ અને લંડનના સરકારી ગેઝેટ મારફતે આ તમામ આંકડાઓ એક વિસ્તૃત રિપોર્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. બ્રિટનના વડાપ્રધાન અને નાણાં મંત્રાલયે પણ રાજાના આ નિર્ણયને આવકાર્યો છે અને તેને આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. આ નિર્ણય બાદ રાજવી પરિવારના અન્ય સભ્યો પણ પોતાની આવકના સ્ત્રોતો જાહેર કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
