તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
કિડની પ્રત્યારોપણ કરતા દેશના તમામ દવાખાનાઓ માટે કેન્દ્ર સરકારની સંસ્થાનો મોટો આદેશ: દર્દીઓનો સક્સેસ રેટ, ટ્રાન્સપ્લાન્ટ ફેલિયરના કિસ્સા અને મોતના આંકડા વેબસાઈટ પર સાર્વજનિક કરવા પડશે
દર્દીઓમાં પારદર્શિતા વધારવા અને સારવારની સાચી સ્થિતિ જાણી શકાય તે માટે નોટો (NOTTO) દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર: હોસ્પિટલોએ ડિસ્ચાર્જ સમયથી લઈને ૬ મહિના, ૧ વર્ષ, ૩ વર્ષ અને ૫ વર્ષ સુધીનો તમામ ફોલો-અપ ડેટા પણ સબમિટ કરવો ફરજિયાત બન્યો

નવી દિલ્હી: દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ (વૃક્ક પ્રત્યારોપણ) કરાવતા દર્દીઓની સુરક્ષા, અધિકારો અને સારવારની ગુણવત્તામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અંગ અને પેશી પ્રત્યારોપણ સંસ્થા (NOTTO - નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા દેશભરમાં કિડની પ્રત્યારોપણની સર્જરી કરતા તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે પોતાની સંસ્થામાં થતા ઓપરેશનના સફળતાના દર (સક્સેસ રેટ), ઓપરેશન બાદ દર્દીઓના જીવિત બચવાના આંકડા, દર્દીઓના મોતના આંકડા અને ગ્રાફ્ટ ફેલ થવા (એટલે કે ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જવા)ના તમામ પરિણામો સાર્વજનિક કરવા પડશે.
સરકાર સમક્ષ રજૂ થયેલી રજૂઆતો અને ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને ધ્યાનમાં રાખીને નોટોના ડાયરેક્ટર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સત્તાધિકારીઓને પત્ર લખીને આ સૂચનાઓનો કડક અમલ કરાવવા જણાવાયું છે. નવા નિયમ મુજબ, હવે દરેક ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરે પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ તમામ આંકડા અને વિગતો સામાન્ય જનતા જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે. આ ઉપરાંત, આ તમામ અધિકૃત ડેટા નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રીમાં પણ સમયસર અપડેટ કરવાનો રહેશે.
આ નવીન માર્ગદર્શિકાના પ્રમાણભૂત રિપોર્ટિંગ ફોર્મેટ અનુસાર, હોસ્પિટલોએ માત્ર પ્રાથમિક આંકડા જ નહીં, પરંતુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા દર્દીઓનો લાંબાગાળાનો રેકોર્ડ પણ જાહેર કરવો પડશે. જેમાં દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય તે સમયની સ્થિતિ, ટ્રાન્સપ્લાન્ટના ૬ મહિના પછી, ૧ વર્ષ પછી, ૩ વર્ષ પછી અને ૫ વર્ષ પછી દર્દીઓની સ્થિતિ કેવી છે, કેટલા દર્દીઓ જીવિત છે, કેટલાના ગ્રાફ્ટ ફેલ થયા છે અને કેટલા દર્દીઓ ફોલો-અપમાં આવ્યા નથી, તે તમામ ટકાવારી અને ચોક્કસ આંકડા જાહેર કરવાના રહેશે.
હાલમાં દેશભરમાં આશરે ૮૨૪ જેટલા પ્રત્યારોપણ કેન્દ્રો રાષ્ટ્રીય ઓર્ગન રજિસ્ટ્રી સાથે જોડાયેલા છે, જેમને ફાળવવામાં આવેલા લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા નિયમિતપણે આ ફોલો-અપ ડેટા નોંધવો ફરજિયાત રહેશે. આ કડક નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અંગ પ્રત્યારોપણ જેવી ગંભીર અને ખર્ચાળ સારવાર કરાવતા દર્દીઓ અને તેમના પરિવારો જાણી શકે કે કઈ હોસ્પિટલનો ટ્રેક રેકોર્ડ કેવો છે, જેથી તેઓ સાચો નિર્ણય લઈ શકે અને તબીબી ક્ષેત્રે જવાબદારી નક્કી કરી શકાય.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
