તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
દિલ્હીમાં કોળી સમાજનું વિશાળ મહા સંમેલન યોજાયું : સમાજની એકતા અને એકજૂટતા માટે કામ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરાઈ
દેશભરના 22 રાજ્યમાંથી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા: ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સમાજની એકતા પર ભાર મૂકતા કાર્યક્રમને સફળ ગણાવ્યો: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં મહિલા વિંગ દ્વારા મોટો કાર્યક્રમ યોજવાની જાહેરાત

દિલ્હીમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશભરના 22 રાજ્યમાંથી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અધિવેશનમાં મહિલાઓની સંખ્યા વધુ રહી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું કે, આ અધિવેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. મહાસંમેલનમાં 22 રાજ્યમાંથી કોળી સમાજના લોકોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, સમાજની એકતા અને એકજૂટતા માટે કામ કરશું
દિલ્હી ખાતે કોળી સમાજનું એક વિશાળ અધિવેશન યોજાયું હતું, જેમાં દેશના 22 રાજ્યોમાંથી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ કાર્યક્રમ અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અધિવેશનને અભૂતપૂર્વ સફળતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી સમાજની એકતા દર્શાવવા માટે લોકો ઉપસ્થિત રહ્યા છે.
સમાજની પ્રગતિ અંગે વાત કરતા હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને સંગઠિત કરવાનો છે. તેમણે કહ્યું કે, "સંગઠન માટે અમારી કોઈ લડાઈ નથી, અમારું લક્ષ્ય માત્ર સમાજની એકજૂટતા અને વિકાસ માટે કામ કરવાનું છે." આ દરમિયાન, કુંવરજીભાઈ બાવળીયાના નિવેદન અંગે પૂછવામાં આવતા હીરાભાઈએ તે વિષય પર બોલવાનું ટાળ્યું હતું, જોકે તેમણે સ્વીકાર્યું હતું કે કુંવરજી બાવળીયા પણ કોળી સમાજના જ એક મહત્વના આગેવાન છે.
અધિવેશનમાં મહિલાઓની ભૂમિકા પણ મહત્વની રહી હતી. ઝંખનાબેન પટેલએ સમાજના વિકાસ માટે આયોજિત આ અધિવેશનમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય ટાર્ગેટ મહિલાઓને આગળ વધારવાનો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી બહેનો સાથે સમાજને કેવી રીતે વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવવો તે અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં કોળી સમાજની મહિલા વિંગ દ્વારા એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
