<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ચીનમાં પાકતી ‘દા હોંગ પાઓ' નામની એક કિલો ચાની કિંમત છે ૯ કરોડ

આજે ૨૧મી મેના રોજ ઈન્‍ટરનેશનલ ટી ડે... : આ ચાના માત્ર એક કપની કિમતમાં તમે એક શાનદાર લક્‍ઝરી કાર ખરીદી શકો છો

નવી દિલ્‍હી તા.૨૧: આજે ૨૧મી મેના રોજ ઈન્‍ટરનેશનલ ટી ડે... ચાના શોખીનો તો દુનિયાના ખૂણે-ખૂણે જોવા મળે છે, પરંતુ શું તમે ક્‍યારેય એવી ચા વિશે સાંભળ્‍યું છે જેની કિમત એક લક્‍ઝરી કાર જેટલી હોય? હા, આ કોઈ કલ્‍પના નથી પણ વાસ્‍તવિકતા છે. ગ્‍લોબલ માર્કેટમાં એક એવી દુર્લભ ચા અસ્‍તિત્‍વ ધરાવે છે, જેના માત્ર એક કપની કિમત જ લાખો રૂપિયામાં થાય છે. ચાલો આજે ઈન્‍ટરનેશનલ ટી ડે પર વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી ચા વિશે...

આપણે ત્‍યાં ભારતમાં સામાન્‍ય રીતે ચાની કિમત રૂપિયા ૧૦થી શરૂ કરીને મોટી હોટલોમાં રૂપિયા ૫૦૦ સુધીની હોઈ શકે છે. પરંતુ ચીનના વુઈ પર્વતો માં પાકતી દા હોંગ પાઓ નામની ચાની કિમત સાંભળીને સારા-સારા અમીરોના હોશ ઉડી જાય છે. આ ચાની કિમત આશરે રૂપિયા ૯ કરોડ પ્રતિ કિલોગ્રામ છે! એટલે કે, આ ચાના માત્ર એક કપની કિમતમાં તમે એક શાનદાર લક્‍ઝરી કાર ખરીદી શકો છો.

વાત કરીએ કે આ દા હોંગ પાઓ ચા કેમ આટલી મોંઘી છે એની તો આ ચા આટલી મોંઘી હોવાનું મુખ્‍ય કારણ તેની અછત છે. ચીનના ફુજિયાન પ્રાંતના વુઈ પર્વતોના ખડકો પર તેના માત્ર ત્રણથી ચાર જ ઓરિજિનલ છોડ બચ્‍યા છે. આ ખાસ અને સદીઓ જૂના છોડમાંથી દર વર્ષે ખૂબ જ મર્યાદિત માત્રામાં ચાની પત્તીઓ લણવામાં આવે છે.

ચીની સંસ્‍કૃતિમાં આ ચાને રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે નેશનલ ટ્રેઝરનો દરજ્‍જો આપવામાં આવ્‍યો છે. પ્રાચીન સમયમાં આ ચા માત્ર ચીનના રાજા-મહારાજાઓ માટે જ અનામત રાખવામાં આવતી હતી. આ છોડની સુરક્ષા માટે ચીન સરકારે ખાસ સૈનિકો પણ તૈનાત કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ ચા સ્‍વાસ્‍થ્‍ય માટે અમૃત સમાન છે. તેના સેવનથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર થાય છે અને તે ત્‍વચાના ગ્‍લો તેમજ લાંબા આયુષ્‍ય માટે રામબાણ ઈલાજ ગણાય છે.

વર્ષ ૨૦૦૨માં એક હરાજી દરમિયાન આ ખાસ ચાની માત્ર ૨૦ ગ્રામ પત્તીઓ આશરે રૂપિયા ૨૦ લાખથી વધુની કિમતમાં વેચાઈ હતી, જે તે સમયના સોનાના ભાવ કરતાં પણ ૩૦ ગણી વધારે હતી. આજના સમયમાં આ અસલી ચા મેળવવી સામાન્‍ય માણસ માટે જ નહીં પણ વિશ્વના અબજોપતિઓ માટે પણ એક મોટો પડકાર છે.

(2:49 PM IST)