News of Monday, 11th May 2026
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈના આનંદ નગરના મેદાનમાં મળ્યો માનવ કંકાલ અને ખોપડી, ત્રણ દિવસથી લાગતી આગ બાદ ક્રિકેટ રમવા ગયેલા બાળકોને દેખાયા માનવ અવશેષો
રમાબાઈ ચાલ પાછળના ખાલી પ્લોટમાં વેરવિખેર હાલતમાં મળી હાડકાં અને ખોપડી, સ્થળ પરથી સિક્કા પણ મળ્યા, ત્રણ મહિના પહેલા જ પાણીની ટાંકીમાંથી મળ્યો હતો કંકાલ, માણિકપુર પોલીસે વિસ્તારને કોર્ડન કરી ફોરેન્સિક તપાસ શરૂ કરી

વસઈ, તા. 11 : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં આવેલા આનંદ નગરમાંથી ફરી એકવાર માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. રમાબાઈ ચાલની પાછળ આવેલા એક ખાલી પ્લોટમાંથી માનવ ખોપડી અને શરીરના હાડકાં વેરવિખેર હાલતમાં મળી આવ્યા છે. રવિવારની સાંજે ક્રિકેટ રમવા ગયેલા બાળકોએ આ દ્રશ્ય જોયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી આ ખાલી પ્લોટમાં સતત આગ લાગવાની ઘટનાઓ બની રહી હતી. રવિવારે રજાનો દિવસ હોવાથી સાંજે છ વાગ્યાની આસપાસ કેટલાક બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. રમત દરમિયાન બાળકોની નજર જમીન પર પડેલા માનવ કંકાલ પર પડી. નજીક જઈને જોતા માનવ ખોપડી અને અનેક હાડકાં વિખરાયેલા જોવા મળ્યા. આ દ્રશ્ય જોઈને બાળકો ગભરાઈ ગયા અને તરત જ આસપાસના લોકોને જાણ કરી.
સ્થળ પરથી સિક્કા પણ મળ્યા
ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ તાત્કાલિક માણિકપુર પોલીસને જાણ કરી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં એક માથા વગરનું કંકાલ અને અલગથી એક ખોપડી મળી આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી કેટલાક સિક્કા પણ મળ્યા છે, જેને પોલીસે કબજે લીધા છે.
ત્રણ મહિનામાં બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે આનંદ નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં માનવ કંકાલ મળવાની આ બીજી ઘટના છે. આ પહેલા લગભગ ત્રણ મહિના અગાઉ આ જ વિસ્તારની એક ઈમારતની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો. એક જ વિસ્તારમાં સતત આવી ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભય અને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પોલીસ તપાસ શરૂ
માણિકપુર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળેલા માનવ અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કંકાલ કેટલા સમય જૂનું છે, મૃતકની ઓળખ શું છે અને મોતનું કારણ શું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે. હાલ વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
